કયા સંબંધે!

કોણ પોતાના અને કોણ પારકાં! સંબંધો ની આ માયાજાળ એમા ગોરંભાતી અનેક જીંદગીઓ. લોહીના સંબંધોની લાગણી અને સુવાસ ક્યારેય મુરઝાતી નથી, પણ કદીક અંતર વધી જાય છે ત્યારે ઘવાયેલું હૈયું પોકારી ઉઠે છે કે પોતાના માનીએ એ ખરે જ શું પોતાના બને છે? અને જે પારકાં છે એ ક્યારે પોતાના બની જાય એનો આભાસ પણ નથી થતો.

આપ્તજનોના સંબંધમા ઉતાર ચઢાવ આવે તોય છેવટે “ડાંગે માર્યા પાણી કદી છુટા ન પડે” એ કહેવત મોટાભાગે સાચી જ પડે છે.

વાત આજે એ સંબંધની કરવી છે જેનુ કોઈ નામ નહોતુ અને ક્યારે એ સ્વ થી ય વિશેષ પોતાનો બની ગયો એ ખબરે ના પડી.

સીમા જ્યારથી સમજણી થઈ ત્યારથી એક દિવસ એવો આવતો કે એનુ બાળ માનસ કેટલાય સવાલોથી ઘેરાઈ ઉઠતુ. મમ્મી સરસ તૈયાર થઈને હાથમા પૂજાની થાળી ને મિઠાઈ લઈ હોંશભેર સીમાને કહેતી, “બેટા જલ્દી કર, મામાને ત્યાં રાખડી બાંધવા જવાનુ છે, મારો ભાઈ રાહ જોતો હશે” ને સીમાનો સવાલ દર વર્ષની જેમ મમ્મીને પુછાતો “મમ્મી મારે કોઈ ભાઈ નથી?

એનો જવાબ પંદર વર્ષની સીમાને બળેવને દિવસે જ મળી ગયો.

મમ્મી ની ખાસ બહેનપણીનો દિકરો રાકેશ દરવાજે આવી ઊભો અને પોતાનો હાથ લંબાવતા બોલી ઉઠ્યો, “સીમા મને રાખડી બાંધ, આજથી હું તારો ભાઈ”

સીમાને રાકેશ ઉનાળાની રજામા સ્કુલના કેમ્પમા દસ દિવસ સાથે હતા. રાકેશના મમ્મી જ્યોતિમાસી જે શાળામા પ્રિન્સીપાલ હતા ત્યાંજ સીમાની મમ્મી શિક્ષીકા તરીકે નોકરી કરતી હતી, અને એ સ્કુલમા ન ભણતા હોવાં છતા શિક્ષકોના બાળકો હોવાના નાતે બન્ને જણ આ કેમ્પમા ભાગ લઈ શક્યા હતા.

કેમ્પના છેલ્લા દિવસે એક રમત રમાડાઈ જેમા દરેકને એમના સપના વિશે પુછવામા આવ્યું. કોઈ એ ડોક્ટર બનવાનુ સપનુ જોયું હતુ તો કોઈએ વકીલ. કોઈએ શિક્ષક બનવાનુ તો કોઈએ ક્રિકેટર. જ્યારે સીમાનો વારો આવ્યો ત્યારે એનાથી મનની વાત કહેવાઈ ગઈ. “બાળપણથી મારૂં એક સપનુ હતુ કે મારે એક ભાઈ હોય, મોટી થઈ ને હું કાંઈપણ બનીશ પણ મારા ભાઈને રાખડી બાંધવાનુ તો નહિ જ ને! મામા માસી ના દિકરાઓ મારા ભાઈ તો કહેવાય પણ!! બોલતા બોલતા એની આંખો છલકાઈ ઊઠી”

રાકેશના દિલમા સીમાની એ દર્દભરી આંખો ઘર કરી ગઈ, ને બળેવના દિવસે ભાઈ બની દરવાજે આવી ઊભો. એ ઘડી ને આજનો દિવસ, સગા ભાઈથી સવાયા બની સંબંધને મહોરવા દીધો છે. કયા સંબંધે!!

સીમા જીવનની એ કારમી પળ ક્યારેય ભુલી શકે એમ નથી જ્યારે એકસિડન્ટમા માને ગુમાવી. પિતાની છત્રછાયા તો કોલેજના પ્રથમ વર્ષે જ ગુમાવી હતી પણ મમ્મી નાની બેન અને સાવ નાનકડો અબુધ ભાઈ જેને શું ગુમાવ્યુ કે શું રહ્યુ એની કોઈ હજી સમજ નહોતી એમનો સાથ હતો, અને રાકેશ અને જ્યોતિમાસીને માસાની હુંફ હતી. નાના, નાની ને મામા માસી સહુએ આર્થિક અને માનસિક સથવારો આપ્યો હતો.

જ્યારે મમ્મીનુ ચાર જ વર્ષમા એકસિડન્ટમા નિધન થયું ત્યારે સીમા સાવ નોંધારી બની ગઈ. આપ્તજનો તો હતા જ અને સહુની હુંફ પણ હતી પણ સીમા જે માનસિક યાતના મા થી પસાર થઈ રહી હતી એનો અંદાજ કોઈને નહોતો. સવારથી મળવા આવનાર એકનો એક સવાલ પુછે અને સીમા રડતાં રડતાં એજ દુઃખદ ઘટના દોહરાવે. એમાથી મુક્તિ બે જણે અપાવી. નાના, નાની જે સીમા અને નાના બહેન ભાઈનો અભ્યાસ ન બગડે એટલે મન પર પથ્થર રાખી એમની સાથે રહેવા આવ્યા હતા અને વીસ વર્ષના રાકેશે.

નાના એ બધા મળવા આવનારને કડક ચેતવણી આપી કે કોઈ સીમાને દુર્ઘટના બાબત કોઈ સવાલ ન કરે, અને રાકેશ બીજા દિવસે રાતે નવ વાગે ગાડી લઈ હાજર થઈ ગયો. સીમાથી નાનો પણ રાતોરાત જાણે એ મોટોભાઈ બની ગયો, અને નાનાને વિનંતી કરી કે થોડીવાર માટે એ ત્રણે પોતાના ભાઈ બહેનોને ખુલી હવામા બહાર લઈ જવા માંગે છે.

સીમાને પહેલીવાર અનુભવ થયો કે માથે દુઃખનો પહાડ તુટી પડ્યો હોય તોય કોઈ હાથ પકડી ખુલી હવામા બહાર લઈ આવે, સોસાયટી ના બગીચામા થોડો સમય મૌન બની સાથે બેસે, નાનકડા ભાઈને એક આઈસક્રીમ અપાવે, જાણે કાંઈ ન કહેવા છતાં કેટલુંય કહી જાય “કોઈ ચિંતા ના કરતા, હું તમારો ભાઈ હમેશ તમારી ઢાલ બની ઊભો રહીશ.”

એ સધિયારો એ હિંમત જીવનભર સીમાની સાથે રહ્યા છે.

કયા સંબંધે!

શૈલા મુન્શા તા.૦૫/૦૭/૨૦૧૫

This entry was posted in Short stories. Bookmark the permalink.

4 Responses to કયા સંબંધે!

  1. Satish parikh says:

    Shailaben:

    Hardik abhinandan.

    Very good and real story leaving tears in eyes.

    I have experienced similar kind of relationships in my own life and that relationship still exits today in spite of many social adversities.

    The world is more interested in watching you and showing lukkhi (dry) pity on you rather than extending the hand or standing by you.

    SATISH PARIKH

    Like

  2. Charusheela vyas says:

    Shailaben,

    Many thanks for forwarding very nice writeup

    You are very decent gifted writer.

    My regards,

    Charusheela Vyas

    Like

  3. Navin Banker says:

    Very Nice and impressive.

    Like

  4. Vihar Bakshi says:

    I enjoy reading your posts. Brought back lots of memories!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.