સાડા (એક આરબ બાળકી)

સાડા (એક આરબ બાળકી)
સાડા એક અરેબિક છોકરી. અરબ ભાષામાં કદાચ એનો ઉચ્ચાર સાહ્ડા થાય છે જેનો અર્થ ખુશી થાય.
ગયા અઠવાડિએ લગભગ ત્રણ બાળકો મારા ક્લાસમાં નવા આવ્યા. એમા બે બાળકી અને એક બાળક. અમારા સ્પેસિઅલ નીડ ક્લાસમાં બાળકો દાખલ થાય પહેલા માતા પિતા, શિક્ષક, સાયકોલોજિસ્ટ, સ્કુલ કાઉન્સિલર બધાની મીટિંગ થાય. બાળકની માનસિક અવસ્થા, શારિરીક તકલીફ વગેરેની ચર્ચા થાય, જેથી બાળક જ્યારે ક્લાસમાં આવે તો અમને થોડી એની પૂર્વભુમિકા ખબર હોય.
મીસ ડેલે જ્યારે અમને ખબર આપી કે કાલથી એક નવી ચાર વર્ષની બાળકી સાડા આવવાની છે, ત્યારે અમારી કલ્પનામાં સામાન્ય રીતે જે ચાર વર્ષની બાળકી હોય એવી નાનકડી બાળકીનો અંદાજ હતો પણ જ્યારે સાડા આવી ત્યારે એને જોતા જ ખ્યાલ આવ્યો કે ઉમરના પ્રમાણ માં સાડા ઊંચી પહોળી અને મજબૂત લાગે છે.
મમ્મી તુર્કીશ અને પપ્પા અરેબિક, એમનુ સંતાન સાડા. સ્વાભાવિક જ દેખાવમાં રુપાળી અને ઘટાદાર સોનેરી વાળ. મમ્મી પપ્પા હોંશે હોંશે મુકવા આવ્યા. જરુરી સૂચના અને અને સ્પેસિઅલ નીડની બસમાં ઘરે જવાની ગોઠવણ થઈ. સવારે પપ્પા પોતે મુકવા આવશે અને બપોરે બસમાં જશે એવું નક્કી થયું.
જેવા મમ્મી પપ્પા ક્લાસમાં થી બહાર ગયા કે સાડાએ પોક મુકી. રડવાનો અવાજ છેક આખા હોલમાં સંભળાય એટલો મોટો, સાથે ખુરસી ફેંકવાનુ અને ક્લાસમાં થી બહાર ભાગવાનો પ્રયત્ન. અવાજ સાંભળી અમારી મદદે બીજા બે શિક્ષકો દોડી આવ્યા. અડધા કલાકે મામલો શાંત પડ્યો.જ્યારે પ્લે એરિયામાં રમવા લઈ ગયા તો પાછા ક્લાસમાં આવતા એ જ તકલીફ. સાડા તો પાછી ક્લાસમાં આવવા તૈયાર નહિ. માંડ બે શિક્ષક મળી એને લઈ આવ્યા.
પહેલે દિવસે તો મમ્મી પપ્પા લેવા આવ્યા, પણ બીજે દિવસે બપોરે ઘરે જવાના સમયે જેવી સાડાને ક્લાસની બહાર લઈ ગયા અને બસમાં મુકવાનો પ્રયત્ન કર્યો કે જાણે ભુત જોયું હોય તેમ સજ્જડ થઈ એક ડગલું આગળ ન ભરે અને જોર જોરથી રડવાનુ ચાલુ થઈ ગયું છેવટે પપ્પાને ફોન કર્યો અને લેવા આવવાનુ કહ્યું. બીજે દિવસે મમ્મીને કહ્યું તમે આવો અને એની સાથે બસમાં જાવ તો કદાચ સાડા બસમાં જવા તૈયાર થશે. મમ્મીતો આવી પણ સાથે સાડાનો નાનો ભાઈ સ્ટ્રોલરમાં લઈને આવી. હવે બસમાં તો સાડાના ભાઈને લઈ ના જવાય. નસીબજોગે મમ્મી સાથે એની મિત્ર પણ હતી એ નાના ભાઈને ગાડીમાં લઈ ગઈ,પણ સાડા તો મમ્મી સાથે પણ બસમાં જવા તૈયાર નહિ. માંડ માંડ બે જણાએ થઈ સાડાને બસમાં બેસાડી.
ત્રીજા દિવસે સવારે બસ ડ્રાઈવર પણ ફરિયાદ કરવા માંડી કે બસમાં સાડા જોરથી રડતી હતી અને ઊભા થઈ જવાનો પ્રયત્ન કરતી હતી.
અમારી મુંઝવણનો પાર નહિ, પણ આ બાળકોને બસની સગવડ તો મળવી જ જોઈએ, અધુરામાં પુરું એ દિવસે મીસ ડેલને પણ બીજે ટ્રૈનીંગ માટે જવાનુ હતું. હું અને મીસ ઈરા અમે બન્ને ગભરાતા હતા કે બપોરે શું થશે. અગમચેતી વાપરી અમે પ્રીંસીપાલ અને અમારા સ્પેસિઅલ નીડના હેડ મીસ ડિકંસને કહી રાખ્યું હતું કે અમારી મદદે આવજો.
બપોર થઈ, બસ આવી અને સાડાબેન ખભે દફતર ભરાવી સડસડાટ કુચ કરતાં બસમાં જાતે દાખલ થઈ બેસી ગયા. અમારા બધાના મોઢા નવાઈથી ખુલા ના ખુલા રહી ગયા. એની મમ્મી તો આવી હતી પણ અમે એને સંતાઈને ઊભા રહેવા કહ્યું હતું. એની પણ નવાઈનો પાર નહોતો. એની આંખમાં પાણી આવી ગયા. પપ્પા માસ્ટર ડીગ્રી માટે સાંજની કોલેજમાં જાય અને મમ્મીને નાનકડા દિકરા સાથે સાડાને લેવા આવવું પડે તો ઘણી તકલીફ પડતી.
સાડામાં સમજણ ઘણી પણ પોતાનુ ધાર્યું કરાવા ભેંકડો તાણવાનો રસ્તો એને ફાવી ગયો હતો. સ્વેટરના બટન ખોલી અમને બંધ કરવાનુ કહે. એકવાર, બેવાર અમે બંધ કરીએ અને એ ખોલીને પાછી આવીને ઊભી રહે, પણ અમે પણ આ બાળકોને શિસ્ત શીખવાડવાના રસ્તા જાણીએ. ત્રીજીવાર જ્યારે આવી તો અમે બટન બંધ કરવાની ના પાડી. અમારા હાથ ખેંચી મદદ કરવાનો પ્રયત્ન નકામો ગયો તો ભેંકડો તાણ્યો. પાંચ મીનિટ રડ્યા પછી લાગ્યું કે અહી દાળ ગળે એમ નથી એટલે પોતાની જાતે બટન બંધ કરી બેસી ગઈ. બૂટ કાઢી ફરી પહેરાવવા માટે પાછળ પડે પણ અમે દાદ ના આપીએ એટલે જાતે પહેરવાનો પ્રયાસ કરે. અરેબિક કે તુર્કિશ ભાષામાં કઈં ને કઈં ગણગ્ણ્યા કરે.
કહેવત છે ને કે પારકી મા કાન વીંધે, એમ અમે પણ આ બાળકોની બીજી મા જેવા જ છીએ. માતા પિતા ઘણીવાર આ બાળકોને એમની અવસ્થાને કારણે આશા છોડી દે છે, પણ આ ચમકતા તારલા પોલિશ વગરના હીરા જેવા છે, અને મને આત્મસંતોષ મળે છે જ્યારે આ હીરાને ચમકતો કરવામાં હું પણ થોડો ભાગ ભજવું છું.
શું ખબર સાડા પણ ભવિષ્યમાં ચમકતો સિતારો બની પોતાના નામને સાર્થક કરી મમ્મી પપ્પાનુ ગૌરવ બને !!!!!!
શૈલા મુન્શા. તા ૦૨/૧૧/૨૦૧૮

Advertisements
Posted in Daily incidents. | 2 Comments

હાઈકુ

૧ – પીળું પાંદડું,
કરમાઈને ખરે!
જેમ જીવન!
૨ -કરે પ્રતિક્ષા,
વસંત આવવાની
ઠુંઠુ ઝાડવું!!
૩ – બોખલે મોઢે
હસતી તસવીર
ટીંગાય ભીંતે!
૪ – જતી જિંદગી,
ગુજરે ક્ષણ ક્ષણ
વિના આધાર!!
હાઈકુ પાનખર પર (જીવન કે કુદરત)
શૈલા મુન્શા તા ૦૧/૦૯/૨૦૧૮

Posted in Haiku | Leave a comment

નોઆ

ત્રણ વર્ષનો નોઆ ડિસેમ્બર ૨૦૧૭ની મધ્યમાં લગભગ નાતાલની રજાઓ શરુ થતાં પહેલા અમારા ક્લાસમાં આવ્યો. માતા પિતા શિકાગોથી આવ્યા હતા. મૂળ મેક્સિકોના વતની એટલે શિકાગોની બર્ફીલી આબોહવા માફક ના આવી. નોઆ એમનુ પહેલું સંતાન એટલે સ્વભાવિક સઘળો પ્રેમ એના પર ન્યોછાવર, અને એ અમને દેખાયું પણ ખરું. સંતાન તો હમેશા બધા માતા પિતાની આંખની કીકી જેવા હોય, પણ ઘણીવાર વધુ પડતો પ્રેમ બાળકની પ્રગતિમાં અવરોધ પણ ઊભો કરી શકે.
ખેર વાત અહીં આપણે નોઆની કરીએ છીએ..
નોઆને ગોદમાં ઉઠાવી મમ્મી ક્લાસમાં આવી અને પપ્પા એક હાથમાં મોટી સ્લીપીંગ બેગ પોચો મોટો તકિયો, મખમલી ઓઢવાનુ, બીજા હાથમાં એના ડાયપરની બેગ, વધારાના કપડાં, વેફર્સની મોટી બેગ, ક્લાસ સપ્લાયનુ બોક્ષ બધું લઈ અમારી સામે જોતા ઊભા રહ્યા. બે ઘડી અમે પણ એમની સામે જોતા ઊભા રહ્યાં !! આટલો સામાન મુકવો ક્યાં? મેક્સિકન હોવાં છતાં બન્ને જણા ફાંકડું અંગ્રેજી બોલતા હતા. બધી પુછપરછ પતી, અને મમ્મીએ નોઆને નીચે ઉતાર્યો. પહેલો દિવસ, અજાણ્યું વાતાવરણ, નોઆનો ભેંકડો તાણવો સ્વભાવિક હતો.
મમ્મી પપ્પા પાંચ દસ મિનીટ બેઠા પણ અમારા કહેવાથી છેવટે ક્લાસની બહાર તો નીકળ્યા પણ દરવાજાની બારીમાંથી થોડીવાર જોતા રહ્યા. નોઆ તો થોડીવાર રડીને શાંત થઈ ગયો. અમારું મેજીક શસ્ત્ર સંગીત અને બાળગીતો લગભગ બધા બાળકોને રડવાનુ ભુલાવી શાંત કરી દે. આખો દિવસ થોડો ડઘાયેલો રહ્યો, બપોરના બધા બાળકોના સુવાના સમયે એને જરા થાબડ્યો કે એની સ્લીપીંગબેગમાં ભરાઈને સુઈ ગયો. ખરી મજા બીજા દિવસે આવી.સવારે મમ્મી પપ્પા એને મુકવા આવ્યા અને એમના હાથમાં થી મે નોઆને લેવાનો પ્રયાસ કર્યો ને ધડ દઈને મારા ગાલે એણે એક તમાચો ઝીંકી દીધો. મમ્મીનુ મોઢું જોવા જેવું થઈ ગયું, બિચારી સોરી સોરી કરતી રડવા જેવી થઈ ગઈ, માંડ માંડ એને સમજાવી પણ ત્યારથી મમ્મીને અમે કહ્યું કે તમે ક્લાસમાં આવી અને નોઆને મુકી જજો જ્યાં સુધી એ ક્લાસના વાતાવરણથી ટેવાઈ ના જાય.
ધીરે ધીરે નોઆનુ રુટીન ગોઠવાવા માંડ્યું અને પંદર દિવસની નાતાલની રજા પડી. રજા પછીનો પહેલો દિવસ તો નોઆ લગભગ આખો દિવસ ઊંઘમાં જ રહ્યો. બીજા દિવસે મમ્મી એને ક્લાસમાં મુકવા આવી ત્યારે થોડી ચિંતીત હતી. અમને પૂછવા માંડી કે નોઆ ક્લાસમાં કોઈને મારે છે? કોઈના ગાલે ચુંટલી ખણી લે છે? અમને નવાઈ લાગી કારણ ક્લાસમાં બે દિવસમાં એનુ વર્તન બરાબર હતું.
મમ્મીની ચિંતા અકારણ નહોતી. નાતાલની રજામાં નોઆના માસી,મામાના બાળકો એમના ઘરે નાતાલની ઉજવણી માટે ભેગા થયા હતા અને નોઆ એમને મારી આવતો, ચુંટલી ખણી લેતો એટલે મમ્મીને જાણવું હતું કે ક્લાસમાં નોઆનુ વર્તન કેવું હતું? ઘરમાં નોઆનુ વર્તન અલગ હતું એનુ કારણ કદાચ એ પણ હોઈ શકે કે જે બાળકો ઘરમાં હતા એ કદાચ નોઆને નાનો સમજી મસ્તીમાં ચીડવતા હોય અને એના પ્રતિભાવ રુપે નોઆ મારી આવતો હોય. ક્લાસમાં નોઆ નુ વર્તન બરાબર છે એ જાણી એની મમ્મીને ધરપત થઈ.
પંદર દિવસ ઘરે રહ્યા પછી નોઆ સ્કુલમાં હસતાં હસતાં આવ્યો એ અમારા માટે કોઈ ઈનામથી ઓછું નથી.
અત્યારે નોઆ બોલતો નથી, પણ એનુ હાસ્ય અને ચમકતી આંખો ઘણુ કહી જાય છે.
ભવિષ્યમાં આ ચમકતો તારલો જરુર આસમાનની ઊંચાઈએ પહોંચશે!!!!
અસ્તુ,
શૈલા મુન્શા તા ૦૧/૧૭/૨૦૧૮

Posted in Daily incidents. | 3 Comments

વાત અમારા ફેલ્ટનની

અમેરિકાની મારી સ્કૂલના બાળકોના રોજિંદા અનુભવો લખે લાંબો સમય વહી ગયો.ચંદ્રગ્રહણ તો વરસમાં એક કે બે વાર થતું હશે પણ મારું આ ગ્રહણ લગભગ એક વર્ષ લાંબુ ચાલ્યું, પણ હવે એ ગ્રહણ રૂપી વાદળો છંટાઈ ગયા છે. ફરી એકવાર આપની ઉત્સુક્તાનો અંત લાવી આપ સહુને મારી દુનિયા, મારાં આ બાળકોના અલ્લડપણાની, એમની વિશેષતાની, કાંક ખામીને ખુબી માં પરિવર્તિત કરવાની અમારી ધગશને આપ સુધી પહોંચાડવાનો નમ્ર પ્રયાસ કરું છું.
મારા એ માનસિક વિકલાંગ બાળકો એમની સાથે અમને પણ જીવનના નવા નવા અનુભવો કરાવે છે. દર વર્ષે નવા અને જુના બાળકોનો સંગમ થાય. છેલ્લાં સોળ વર્ષોથી આ બાળકો સાથે અમેરિકાની સ્કૂલમાં કામ કરૂં છું, અને દરેક બાળક કંઈ કેટલીય નવિનતા લઈને આવે છે. ત્રણ વર્ષનુ માસુમ બાળક એની ચમકતી કૌતુહલ ભરેલી આંખે પહેલીવાર ક્લાસમાં ડગ ભરે ત્યારથી અમારી સફર શરૂ થાય છે.
આ ચમકતા તારલાં ક્યારેક વાદળોની આડમાં ઢંકાઈ જાય છે, પણ પોતાની ચમક ગુમાવતાં નથી.
ફેલ્ટન ત્રણ વર્ષનો આફ્રિકન બાળક.કાળા ઘુંઘરાળા વાળ. આપણી તો આંગળી પણ અંદર ન ખુંચે. ખરેખર ભગવાનની કરામતનો પણ કાંઈ પાર નથી. મોટા ભાગની જાતિ એમના રૂપ રંગ, ચહેરાથી પરખાઈ જાય. આફ્રિકન પ્રજા એમના દેખાવ અને વાળને કારણે સહજતાથી ઓળખાઈ જાય. માતા, પિતા ફેલ્ટનની સારી કાળજી લેતા હશે એ એના કપડાં, એની સ્વચ્છતા પરથી પરખાઈ જાય.
અમારા આ માનસિક રીતે થોડાં ધીમા જેને ગણી શકાય એવા ક્લાસમાં આવતાં બાળકો જ્યારે ત્રણ વર્ષે શરૂઆત કરે, ત્યારે ઘણાની વાચા પુરી ખુલી ન હોય. એ પણ એક કારણ આવા બાળકો અમારા ક્લાસથી (PPCD-Pre primary children with disability) શરૂઆત કરે અને આગળ જતાં એમની બુધ્ધિમત્તા પ્રમાણે રેગ્યુલર ક્લાસમાં જેને (General Education) કહેવાય, ત્યાં પહેલા કે બીજા ધોરણથી આગળ વધવાની શરૂઆત કરે.
પહેલે દિવસે ફેલ્ટન આવ્યો તો મમ્મીનો હાથ છોડી ક્લાસમાં આવવા તૈયાર નહિ, પણ એની મમ્મીના કહેવાથી અમે A,B,C,D,નુ ગીત ચાલુ કર્યું અને ભાઈએ એક ડગલું ભરી અંદર પ્રવેશ કર્યો. ક્લાસમાં બાળકોની નજર પહોંચે એટલી ઊંચાઈએ લગાડેલા આલ્ફાબેટના પોસ્ટરે એનુ ધ્યાન આકર્ષિત કર્યું અને ધીરે રહી મમ્મી એનો હાથ છોડાવી સરકી ગઈ. ફેલ્ટનનો નાસ્તો, એનુ જમવાનુ બધું ઘરેથી મમ્મી ટિફીનમા મોકલે.ઓટમીલ, અને એમા એપલ સોસ અને પીચ કેન ફ્રુટ અમારે ઉમેરી એને ખવડાવવાનુ. રોજ એજ ખાવાનુ અને ફેલ્ટન એ હોંશે હોંશે ખાઈ લે! ખાય શું, એ તો ગળે જ ઉતારી દે.
બપોરે બાળકોને કલાક અમે આરામ આપવા સુવાડી દઈએ, કારણ સાડાસાત થી ત્રણ વાગ્યા સુધીનો દિવસ આ બાળકો માટે બહુ લાંબો થઈ જાય. સુવાડતી વખતે ખરી મજા આવી. ફેલ્ટન ભલે ત્રણ વર્ષનો છે પણ ગઠિયો છે, જરાય પોલો નથી. મારાથી તો એને ઉંચકીને ચલાય પણ નહિ. દરેક બાળકને એની મેટ, એનુ ઓઢવાનુ મોટાભાગે મમ્મી પપ્પા ઘરેથી એમને ગમતા કલર ડિઝાઈનના લાવી અમને આપી રાખે અને બાળકો પણ પોતાના ઓઢવાના બરાબર ઓળખતાં હોય. બીજા બાળકો તો પોતપોતાની જગ્યાએ સુઈ ગયા, પણ ફેલ્ટનને એની મમ્મી પોતાની સોડમાં સુવાડતી હશે એટલે એ તો સુવાને બદલે જાણે મીસ ડેલની સોડમાં ભરાવા માંડ્યો. અઠવાડિયું લગભગ એમ ચાલ્યું. ધીરે ધીરે ફેલ્ટન એની મેટ પર સુવા માંડ્યો, પણ મારે કે મીસ ડેલે બાજુમાં બેસીને થાબડવો તો પડે.
ફેલ્ટનની વાચા તો હજી ખુલી નથી. બોલતો કાંઈ નથી, પણ આઈપેડ વાપરવામાં એક નંબર. અમેરિકાની શાળામાં કોંપ્યુટર, લેપટોપ કે આઈપેડ બાળકો માટે દરેક શાળામાં સહેલાઈથી ઉપલબ્ધ હોય.
શૈક્ષણિક પ્રોગ્રામ પણ ક્લાસ પ્રમાણે એમા લોડ કરેલા હોય. અમારા બાળકો માટે નર્સરી રાઈમ, એ બી સી ડી કે કલર ચીત્રકામ વગેરે હોય. ફેલ્ટન તો હાથમાં આઈપેડ આવે કે ફટાફટ બધી વેબસાઈટ ધમરોળી કાઢે. આપણે જો બદલીને બીજું કાંઈક શરુ કરી આપીએ તો તરત જ પોતાને ગમતી સાઈટ ખોલી જોવા માંડે. હસવું એટલું મીઠડું અને પાછા ગાલમાં ખાડા પડે, એમા અમારો ગુસ્સો તો ક્યાંય હવા થઈ જાય.
હજી તો એને સ્કુલમાં આવે પંદર દિવસ થયા છે ત્ય્યં તો ક્લાસના રુટીનમાં ગોઠવાવા માંડ્યો, સાથે થોડા તોફાનો પણ શીખવા માંડ્યો.
અમારી નાનકડી મરલીનનુ હેપી ફેસ વાળું ઓશીકું એને એટલું ગમે કે જેવો સુવાનો સમય થાય અને અમે મેટ ગોઠવવા માંડીએ કે ભાઈ દોડીને ઓશીકું લઈ આવે અને બોલની જેમ હવામાં ઉછળે.
ક્લાસમાં આવતાંની સાથે જ એની નજર આઈપેડ મુકવાના ટેબલ પર હોય, રિસેસમાં અમારા પ્લે ગ્રાઉંડ પર બેસી ધુળથી સ્નાન કરે.
બીજા બાળકોની જેમ ફેલ્ટન પણ ક્લાસના રૂટીનમાં ગોઠવાવા માંડ્યો છે. દડબડ દોડતો અમારો ફેલ્ટન આભમાં ચમકતા તારલાની જેમ ભવિષ્યમાં ચમકી ઉઠે તો નવાઈ નહિ !!!!!!!

શૈલા મુન્શા તા ૧૧/૦૬.૨૦૧૭

Posted in Daily incidents. | 2 Comments

હાઈકુ

૧ – સપના કેવા?

ના થાય પુરા કદી,

પુરી જિંદગી!

૨ – લાગણી આપે,

ન મળે પાછી સદા,

પુરી જિંદગી!

૩ – ના રાખ આશા,

વિશ્વાસ ખુદ પર!

પુરી જિંદગી!

૪ – ગયા મંદિર,

ના ઓળખ્યો ઈશ્વર,

પુરી જિંદગી!

૫ – પડે છે ઓછો,

સમય જ હમેશા,

પુરી જિંદગી!

શૈલા મુન્શા  તા ૦૩/૨૮/૨૦૧૭

 

 

Posted in Haiku | Leave a comment

જડતી નથી!

ઉલેચવા અંધાર કોઈ છાબ જડતી નથી,

ને પામવા ઊજાશ કોઈ રાહ મળતી નથી!

માપી શકે ક્યાં નાખુદા તોફાન સમંદરનુ,

બચાવવા નૈયા દિશા કોઈએ કળતી નથી!

ઉગાડશું જો બીજ તો, ખીલી ઉઠશે કુંપળ,

પુષ્પ બની તો શું કળી સદાયે ખીલતી નથી!

દુઃશાશનો વચ્ચે એક કૃષ્ણનુ હોવું બસ છે,

યુગે યુગે આબરૂ દ્રૌપદીની ચીરાતી નથી!

શૈલા મુન્શા  તા ૦૩/૧૮/૨૦૧૭

 

Posted in gazal | 1 Comment

આત્મ સંતોષ

છત્રપતિ શિવાજી એરપોર્ટની લાઉન્જમાં બેઠેલી નિરાલી પોતાની ફ્લાઈટ આવવાની રાહ જોઈ રહી હતી. ફ્લાઈટ અમદાવાદથી આવી મુંબઈ થઈ ચેન્નાઈ પહોંચવાની હતી. સાંજની છ વાગ્યાની ફ્લાઈટ અને બે કલાકમાં ચેન્નાઈ, બસ રાતના જમવાના સમય પહેલા તો ઘરે પહોંચી જઈશ એ વિચારોને માઈક પરથી થતી જાહેરાતે બ્રેક મારી.

અમદાવાદથી ઉપડનારી ફ્લાઈટ હજુ ઉપડી નહોતી અને ચેન્નાઈ જનાર મુસાફરોને  ત્રણેક કલાક મોડું થશે. તકલીફ બદલ ક્ષમા યાચી માઈક તો ચુપ થઈ ગયું, પણ નિરાલીના ચહેરા  પર વિહાનને યાદ કરતાં એક મીઠી મુસ્કાન આવી ગઈ. બાજુમાં બેઠેલા એક બહેન ક્યારના નિરાલીને જોઈ રહ્યાં હતા, એમનાથી રહેવાયું નહિ અને સહજ જ એમનાથી નિરાલીને સવાલ પુછાઈ ગયો!

“ફ્લાઈટ મોડી છે એ સાંભળી સહુના મોઢા પર ચિંતા કે ગુસ્સો દેખાય છે અને તમે મલકી રહ્યાં છો? લાગે છે તમે હજી તમને મુકવા આવનાર દિકરાના ખ્યાલમાં જ ખોવાયેલા લાગો છો”

નિરાલી-” બહેન એ મારો પૌત્ર છે, અહીં મુંબઈમાં કોલેજમાં ભણે છે, પણ પરિક્ષા પાસે આવે ત્યારે એને એની દાદી એટલે કે મારા સિવાય ચાલે નહિ. મારો ખુબ હેવાયો છે”

” તમે બહેન ખુબ નસીબદાર છો, આજના જમાનામાં દિકરા પણ માતા પિતાની પરવાં નથી કરતાં, ત્યાં પોતરાં સુધી તો ક્યાં જવું?

બાજુમાં બેઠેલ અપરિચીત મહિલાની વાત સાંભળી નિરાલી જાણે ભુતકાળમાં સરી પડી. એની નજર સામે જાણે ફિલમની રીલ ફ્લેશબેકમાં ચાલવા માંડી.

હજી કલાક પહેલા જ એ વિહાનથી છુટી પડી હતી. વીસ વર્ષનો વિહાન દાદીનો લાડકવાયો, ચેન્નાઈથી બે વર્ષ પહેલા મુંબઈ ભણવા આવ્યો હતો. અત્યારે બી.કોમના છેલ્લા વર્ષમાં. મુંબઈમાં વિહાનના નાના, નાનીનો ફ્લેટ ખાલી હતો. થોડા વર્ષોથી તેઓ મુંબઈ છોડી અમદાવાદ દિકરા સાથે રહેવા ગયા હતા, એટલે મુંબઈમાં વિહાનને રહેવાની કોઈ તકલીફ નહોતી. જમવા માટે ટીફિન બંધાવી દિધું હતું અને કોલેજ પણ દુર નહોતી, પણ જ્યારે પરિક્ષાનો સમય આવે ત્યારે વિહાનને અચૂક દાદીનો સાથ જોઈએ અને દાદી પણ હોંશે હોંશે ચેન્નાઈથી મુંબઈ પહોંચી જાય.

વિહાન આજે તો વીસ વર્ષનો થઈ ગયો, પણ જ્યારે એનો જન્મ પણ નહોતો થયો અને પોતે વીસ વર્ષની હતી એ દિવસો નિરાલીને યાદ આવી ગયા!!!

પચાસ વર્ષ ઉપર થઈ ગયા જ્યારે પહેલીવાર અમદાવાદથી ચેન્નાઈ એક નવી જ દુનિયામાં આવી હતી

એક બાજુ બી.એ. નુ પરિણામ આવ્યું અને બીજી તરફ ચેન્નાઈથી ચીનુભાઈના દિકરા સૌમેશ માટે નિરાલીના હાથનુ માગું આવ્યું. મુળ અમદાવાદના, પણ વેપારને કારણે વર્ષોથી ચેન્નાઈ વસેલા ચીનુભાઈના કુટુંબની ખાનદાની અને ઉમદા સ્વભાવની સુવાસ નાતમાં ચારેતરફ મોગરાના ફુલની જેમ મઘમઘી રહી હતી. વેપારમાં ચારે દિકરા પિતા સાથે ખભે ખભા મિલાવી વેપાર વિકસાવવાની એક પણ તક જવા ન દેતા.

નિરાલીના માતા પિતા પણ ચીનુભાઈના કુટુંબ અને સ્વભાવથી ભલીભાંતિ માહિતગાર હતા, એથી જ્યારે સૌમેશની વાત આવી ત્યારે ઉમળકાભેર એને વધાવી લીધી. સૌમેશ અને નિરાલી એકબીજાને મળ્યાં, અને બન્નેની રાજીખુશીથી  વાત આગળ વધી અને નિરાલી ઉમંગભેર પરણીને ચેન્નાઈ આવી.

ચીનુભાઈને ચાર દિકરા પણ એમની દીર્ઘદ્ર્ષ્ટિએ કુટુંબને મજબૂત સ્નેહસાંકળે બાંધી રાખ્યુ હતું. દરેક દિકરાને લગ્ન પછી પાંચ વર્ષ સાથે રાખતા, ઘરખર્ચની જવાબદારીથી મુક્ત રાખી, પૈસા બચાવવા કહેતા. જેવા બીજા દિકરાના લગ્ન થાય, એટલે મોટા દિકરાને જુદું ઘર માંડી આપતા.

સૌમેશને પણ જ્યારે એમના  સૌથી નાના દિકરાના લગ્ન થયાં કે એમનાજ  બિલ્ડીંગમા ઉપરના માળે જુદો ફ્લેટ લઈ આપ્યો. નિરાલી અને સૌમેશની જિવનનૈયા સુખના સાગરમાં હિંચોળવા માંડી. નિરાલીનો સ્વભાવ ખુબ હસમુખો, બાળક સાથે બાળક અને વડિલો સાથે ઠાવકાઈ ભર્યા વલણથી એ સહુની વહાલી થઈ પડી.

સૌમેશ અને નિરાલીની જીવન ફુલવાડી  સાહિલ,સલોની અને સુહાનીના હાસ્ય કિલ્લોલથી ગુંજી ઊઠી.હસતાં રમતા જિવનનો દશકો એક સપનાની જેમ પસાર થઈ ગયો ને નિરાલીને માથે આભ તુટી પડ્યું. સૌમેશનુ બ્લડ પ્રેશર ખુબ હાઈ રહેવા માંડ્યું, યુરિનમાં તકલીફ પડવા માંડી. ડોક્ટરોની મુલાકાત અને એક્ક્ષ્રરે પછી ખબર પડી કે સૌમેશની બન્ને કિડની ખરાબ થઈ ગઈ હતી ને બચવાના ચાન્સ બહુ ઓછા હતા.

આજથી ચાલીસ પચાસ વર્ષ પહેલા ભારતમાં કીડની ટ્રાન્સપ્લાન્ટ કે ડાયાલિસિસ જેવી મેડિકલ ટ્રીટમેન્ટ ઉપલબ્ધ નહોતી. લાખ વાના કર્યાં, કંઈ કેટલાય ડોક્ટરોને બતાવ્યું, દોરાં ધાગામાં વિશ્વાસ ન હોવાં છતાં જેણે જે ઉપાય સુચવ્યો એ કર્યું. ડુબતાંને જેમ તરણાનો આશરો, એમ કેટલીય બાધા અને મંદિરોના પગથિયાં ઘસ્યાં, પણ છેવટે કાળને કોઈ રોકી ન શક્યું

નિરાલી અને ત્રણ બાળકોને વિલપતાં મુકી સૌમેશ સદાને માટે ઈશ્વરના દરબારમાં પહોંચી ગયો. નિરાલીને માથે જાણે આભ તુટી પડ્યું. આવી વસમી વેળાએ નિરાલીને સાસરિયાં અને ખાસ તો સાસુ સસરાનો ખુબ સહારો મળ્યો. ચીનુભાઈ ખુબ સુધારાવાદી હતાં નિરાલીને પાસે બેસાડી બધા રસ્તાં સુચવ્યા.

નિરાલીની ઈચ્છા હોય તો બીજા લગ્ન કરાવી દિકરીની જેમ કન્યાદાન આપવા તૈયાર હતા, પણ નિરાલી પોતાના બાળકોને સાવકાં પિતાનુ સુખ આપવા નહોતી માંગતી. નિરાલીની ઈચ્છાને માન આપી ચીનુભાઈએ સૌમેશની જગ્યાએ ધંધામા સાથ આપવાનુ શરૂં કર્યું અને નિરાલીનેસ્વતંત્ર રીતે બાળકો સાથે ઉપરના ફ્લેટમાં જ રહેવા દીધી.

સમાજના ચુગલીખોર લોકોએ શરૂઆતમાં જાતજાતની વાતો વહેતી મુકી, “જુવાન વહુને એકલી રહેવા દે છે,  વૈધવ્યના કોઈ લક્ષણ દેખાતાં નથી, મન ફાવે એવા કપડાંને ચાંદલોને ખિખિયારી કરી સહુ સાથે વાતો, જ્યારે માથે કાળી ટીલી લાગશે ત્યારે ખબર પડશે”

સમયે સહુની બોલતી બંધ કરી દીધી. નિરાલીના જેઠ, જેઠાણી  દિયર દેરાણી જ્યાં જાય ત્યાં નિરાલી અને બાળકોને સાથે લઈ જાય. રાત પડે દાદા ચીનુભાઈ સુતા પહેલા સાહિલ, સુહાની સલોની સાથે સમય વિતાવે, અભ્યાસની કાળજી રાખે અને ખાસ તો સાહિલને ધીરે ધીરે ધંધાની આંટીઘુંટી થી માફિતગાર કરે.

દશ વર્ષ ચીનુભાઈએ ધંધામા સૌમેશની જગ્યાએ કામ કરી સાહિલને સરખો ભાગ અપાવ્યો અને સાહિલ પણ બી.કોમની ડીગ્રી લઈ કાકા સાથે ધંધામા જોડાઈ ગયો.

નિરાલીએ પતિની છત્રછાયા ગુમાવી હતી પણ એની હિંમત અને સ્વજનોના સાથે જિંદગી સહ્ય બનાવી હતી અને વ્યાજ સમેત સઘળું સુખ એની ઝોળીમાં ઠાલવ્યું હતું. બન્ને દિકરીઓના સારા સંસ્કારી ઘરમાં લગ્ન થઈ ગયાં હતાં અને નાની સુહાની એ તો લગ્ન મંડપ ડેકોરેશન, ફ્લાવર એરેન્જમેન્ટ નો સરસ આગવો સ્ટોર સ્થાપિત કરી પોતાની આગવી ઓળખ ઊભી કરી હતી.

સાહિલની પત્નિ નિરાલીમાં પોતાની માતાને જોતી કારણ નાની વયે એ પોતાની માતાને કેન્સરની બિમારીમાં ગુમાવી ચુકી હતી, અને નિરાલી પણ નૈયાને દિકરીની જેમ જ લાડ લડાવતી. નૈયાએ જ્યારે સ્કૂલમાં શિક્ષીકાની નોકરી કરવાનો વિચાર કર્યો ત્યારે નિરાલીએ ખુશી ખુશી વિહાનને સાચવવાની જવાબદારી લઈ લીધી.

નાનપણથી વિહાન મમ્મી પપ્પા કરતાં દાદીનો વધુ હેવાયો હતો, એટલે જ તો પરિક્ષા વખતે મમ્મી નહિ પણ દાદી એની પાસે હોય એવો એનો આગ્રહ રહેતો.

નિરાલીને હળવેથી ઢંઢોળતા બાજુવાળા બહેન બોલી ઉઠ્યા, “બહેન સુખની સમાધિમાથી જાગો, આપણી ફ્લાઈટ અમદાવાદથી આવી ગઈ છે અને ચેન્નાઈ માટે ઉપડવા તૈયાર છે”

ફ્લાઈટમાં દાખલ થતી નિરાલીના ચહેરા પર આત્મ સંતોષનુ તેજ છલકી રહ્યું હતું. જીવન સંપુર્ણ રીતે જિવ્યાનુ સ્મિત ચહેરા પર રેલાઈ રહ્યું હતું.

(સત્ય ઘટના પર આધારિત)

શૈલા મુન્શા  તા ૦૩/૧૪/૨૦૧૭

 

Posted in Short stories | 6 Comments