હાઈકુ !!

૧ – વિતેલી ક્ષણ,

આવતી નથી પાછી,

પશ્ચાતાપની!!!!

૨ – જીવન સંધ્યા

ખરી રહ્યા દિવસો,

વૃક્ષ તો ઠુંઠું!!

૩ – કિતાબ કોરી,

ખુટી ગયા અક્ષરો,

જેમ જીંદગી!!!!

૪ – કરું સ્વાગત,

ભુલીને વેર ઝેર,

મળી જીંદગી!!!

૫ – મન સાબદું

સહી લેવા ઝુરાપો,

એકલતાનો!!!!

શૈલા મુન્શા  તા ૧૨/૧૮/૨૦૧૬

Advertisements
Posted in Haiku | 2 Comments

ફોટોકુ

૧- બાળ ઊંઘતુ,

જગથી બેખબર,

કેવી નિંરાત!

૨- માતાની ગોદ,

વિશ્વાસે સુતું બાળ,

પરમ શાંતિ!!

Posted in Haiku | Leave a comment

નારી

નથી હોતી અબળા હર કોઈ નારી સદા,

પડકારો સામે ના એ ઝુકી, ના હારી સદા!

હરિયાળી ધરતીની ભીતરે ભર્યો લાવા અખૂટ,

થાય વિસ્ફોટ જ્યારે, તો પડે છે એ ભારી સદા!

બની મા અંબા પૂજાતી રહી સદા જે જગમાં,

હણવા રિપુને એ જ  બની દુર્ગા રહી ડારી સદા!

નારીના હર રૂપ અનોખા, હર ગુણ અનોખા,

બની મીરા કે રાધા કૃષ્ણ પર રહી વારી સદા!

શૈલા મુન્શા  તા૧૦/૦૨/૨૦૧૬

Posted in gazal | 7 Comments

વાત મારી મંજરીની !!

ઓળી ઝોળી પીપળ પાન,

ફોઈએ પાડ્યું મંજરી નામ!

મનના પટારાનુ તાળું એક સમાચારે ખુલી ગયું! બાળપણની એ વાતોને એ યાદો મંજરીની જેમ મહેકી ઉઠી. એ હતી પણ વસંતના વાયરે મહેકી ઉઠતા આંબાના મહોર જેવી.

મુંબઈથી મારી સહેલી નયનાનો ફોન હતો, મંજરીનુ અવસાન થયું હતુ, સાઠ વર્ષની મંજરી એકલી એક વૃધ્ધ માજી સાથે રહેતી હતી. એક માનસિક વિકલાંગ બાળકી તરીકે  એનો જન્મ થયો હતો!

ત્રણ ભાઈની એકની એક બહેન, નામ  એનુ મંજરી. બે ભાઈ પછી એનો જનમ!

બે ત્રણ મહિનામાં જ મમ્મી પપ્પાને ખ્યાલ આવી ગયો કે આ દિકરી કાંઈક અનોખી છે, ચહેરાની, એ ઘાટની ઓળખ મંગોલિયન બાળક તરીકે થાય. આ વાત આજથી લગભગ સાઠ વર્ષ પહેલાની છે, જ્યારે ભારતમાં પોતાનુ બાળક જો માનસિક વિકલાંગ હોય તો માતા પિતાને પણ એ બાળક સમાજની નજરે લાવવું ઓછું ગમે.

મંજરીનુ ઘર અમારા પાડોશમાં જ અને બન્ને પાડોશી વચ્ચે ઘર જેવો નાતો. મંજરી જેમ જેમ મોટી થતી ગઈ, એની માનસિક અવસ્થા અમ બાળકો માટે કૌતુક બનતી ગઈ.

મારી યાદના પટારામાં પહેલી યાદ, પાંચ વર્ષની હું બાળમંદિરે જવા તૈયાર અને મંજુ(બધા એને મંજુ કહીને જ બોલાવતા) એના ઘરના દરવાજે ઊભી હાથના ઈશારે પુછતી રહી” ક્યાં જાય છે” એના બાળ ચહેરા પર એક જ સવાલ હતો, આજે એની સાથે કોણ રમશે?

મારા બાળમાનસમા પણ કંઈ એવી સમજણ નહોતી કે મંજુ કેમ સ્કૂલે જઈ ન શકે? માનસિક વિકલાંગતા કે Autism ની કઈ ખબર નહોતી. મંજુ કંઈ પાગલ નહોતી, બોલી શકતી પણ એનો બોલવાનો લહેકો જુદો હતો.

થોડા મોટા થયા પછી ખ્યાલ આવ્યો કે મંજુ પોતાની દરેક વસ્તુ મટે ખુબ ચોક્કસ હતી, કપડાં ગડી કરે તો જાણે કોઈએ ઈસ્ત્રી કરી મુક્યા હોય એવાં લાગે. એની એક નાનકડી એલ્યુમિનીયમની પેટી એમા નોટબુક, પેન્સિલ, એનો હાથરૂમાલ બધુ એવું સરસ ગોઠવીને મુકેલું હોય, જો કોઈ એની પેટીને હાથ લગાડે, કે અંદરની વસ્તુ આઘીપાછી કરે તો એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય. નોટમાં આડા ઉભા લીટા કરે અને હસતી હસતી બતાવવા લઈ આવે. નવી કોઈ વ્યક્તિ ઘરે આવી હોય, તો એક જ માંગણી “મારી નોટબુક ભરાઈ ગઈ છે, નવી લાવી આપો” આ નિશાની Autismની એવો કંઈ ખ્યાલ પણ ત્યારે નહોતો

જેમ જેમ અમે મોટા થતા ગયા, એક વાતની મારે ખાસ દાદ આપવી પડે, મંજરીના મમ્મી પપ્પા અને ભાઈઓ જરાય શરમાયા વગર મંજુને બધે સાથે લઈ જાય, હમેશા મંજુ સરસ તૈયાર થયેલી હોય, અને મંજુને પણ જો વાળ સરખાં ઓળાયા ન હોય તો એકધારુ ચોટલો બરાબર નથી નુ રટણ ચાલુ થઈ જાય.

ત્રણે ભાઈઓ ખુબ હોશિયાર, હમેશા અવ્વલ નંબરે પાસ થાય, પપ્પા નામી વકીલ, મમ્મી પણ એ જમાનામાં મેટ્રિક પાસ. ઘણીવાર વિચાર આવે, ભગવાનની મરજીનો કોણ પાર પામી શકે?

એ જમાનામાં મુંબઈમાં પણ આવા અનોખા બાળકો માટે પ્રગતિના સોપાન જેવી સંસ્થાનો એટલો વિકાસ નહોતો, છતાં બધે તપાસ કરી પપ્પાએ સ્પેસીઅલ નીડ બાળકોની શાળાની માહિતી મેળવી અને મંજુને એમા દાખલ કરી. મંજુમાં ઘણુ પરિવર્તન જોવા મળ્યું.

આજે અમેરિકામાં જ્યારે હું આવા માનસિક વિકલાંગ, Autistic બાળકો સાથે કામ કરું છુ, ત્યારે ઘણા એવા પ્રસંગ બનતા અને મને મંજુ યાદ આવી જતી. અમારી સાઝિયા જ્યારે પહેલીવાર માસિક ધર્મમાં આવી અને એનો ગભરાયેલો ચહેરો જોયો ત્યારે મને મંજુ અને એની મમ્મીનો ડર યાદ આવી ગયા, ત્યારે તો મારી સમજ પણ કાચી હતી,પણ આજે મંજુની મમ્મીના એ વાક્યોનો અર્થ સમજાય છે. “નોકર ચાકરવાળા ઘરમાં મંજુનો કોઈ ગેરલાભ ન લે એટલે એનુ ઓપરેશન કરાવી દીધું”

અમેરિકા આવ્યા બાદ થોડાં વર્ષો  પછી જ્યારે મુંબઈ ગઈ ત્યારે મંજુની ભાળ કાઢી ખાસ એને મળવા ગઈ. નયના પાસેથી સમાચાર મળ્યાકે મંજુના મમ્મી પપ્પા તો અવસાન પામ્યા અને ભાઈઓ લંડન વસે છે. ભાઈઓ તો મંજુને પ્રેમથી રાખવા તૈયાર છે, પણ મંજુને ત્યાં જરાય ગોઠતું નહોતું એટલે મમ્મીએ એમના જીવતાં જ એક ઘરડાં માજીને પોતાના ઘરે મંજુની દેખભાળ કરવાં રાખી લીધા હતાં. માજી પણ મંજુનો સગી દિકરી જેટલો ખ્યાલ રાખતા. મુંબઈનો ફ્લેટ ભાઈઓની સંમતિથી પપ્પાએ વીલ કરી મંજુના નામે અને જ્યારે મંજુ ન હોય ત્યારે માજીને મળે એવી ગોઠવણ કરી હતી.

કેટલા વર્ષો બાદ હું મંજુને મળતી હતી, મને જોતાની સાથે મંજુ બોલી ઉઠી “શૈલા જો ને મારી નોટબુક ભરાઈ ગઈ છે, આ સવિતાબેન તો નવી લાવતાંજ નથી, તું મારા માટે નવી નોટબુક લઈ આવીશ?” આટલાં વર્ષો પછી પણ મંજુ મને ભુલી નહોતી!!

આજે આ મારાં નોખાં તોય અનોખા બાળકો સાથે કામ કરતાં મનમાં હમેશ કંઈક વિશેષ પ્રેમની લાગણી છલકતી રહે છે, એનુ કારણ મંજુ સાથે વિતાવેલું મારું બાળપણ તો નહિ હોયને !!!!!!

Posted in Uncategorized | Leave a comment

વાત અમારા બ્રાયનની !

” યાદ આવે માના મીઠા બોલ,

કરતો રોજ ફરિયાદ તને,

તોય તું તો મીઠી ઢેલ…

યાદ આવે માના મીઠા બોલ.”

જ્યારે જ્યારે આ બાળગીત સાંભળુ છું, મને મારી મમ્મી યાદ આવી જાય. યુવા અવસ્થામાં જ મે મારી માતા ગુમાવી, પણ માના મીઠા બોલ,એનુ વ્હાલ, એનો પ્રેમ ભર્યા સ્પર્શને યાદ કરવા કોઈ બાળગીતની જરુર નથી, એ તો સદૈવ જાણે શ્વાસમાં વણાયેલું છે.

ઘણા બાળકો એવા કમનસીબ હોય છે, જેમને માતા હોવાં છતાં કદી એ પ્રેમનો અનુભવ થતો નથી. માનસિક વિકલાંગ બાળકો સાથે કામ કરતાં આવો અનુભવ અમને ઘણીવાર થતો હોય છે.

આ વાત આજે એકદમ યાદ આવી એનુ કારણ બ્રાયન છે.

હમણા તો સ્કૂલમાં સમર વેકેશન ચાલે છે, પણ ઘરનો જરુરી સામાન ખરીદવા વોલમાર્ટ ગઈ અને બ્રાયનનો ભેટો થઈ ગયો! ત્રણેક વર્ષ પહેલા બ્રાયન અમારા ક્લાસમાં આવ્યો. બ્રાયનમા જન્મજાત શારીરિક ખોડ, જન્મથી જ એને બન્ને હાથ નહિ.

આ શારીરિક અને માનસિક ખોડ પાછળ એની માતાની જીવન પધ્ધતિ જવાબદાર હતી. આજે દુનિયાભરમાં નારી સ્વતંત્રતાની ઝુંબેશ ચાલે છે, પણ સ્વતંત્રતા અને સ્વછંદતા વચ્ચે બહુ જ બારીક તફાવત છે. બ્રાયનની માતા માટે સ્વતંત્રતાનો અર્થ સ્વછંદતા હતો. પંદર સોળ વર્ષેની વયે ડ્રગ્સના રવાડે ચઢી ગઈ, બ્રાયનના પિતા કોણ હશે એની એને ખુદને ખબર નહિ હોય, પરિણામ બ્રાયનને ભોગવવું પડ્યું.

સ્કૂલમા જ્યારે બ્રાયનને મુકવા આવે ત્યારે ગાડીની હાલત જોઈ ઘરમાં બ્રાયનની શી હાલત હશે એનો અંદાજ આવી જાય. બ્રાયનના કપડાં, એના દફતરમાંથી સીગરેટની વાસ સતત આવે. કેટલાય દિવસથી યુનિફોર્મ ધોવાયો નહિ હોય એનો ખ્યાલ આવી જાય.ઉંમર કરતાં મોટી સાઈઝના કપડા, વાળના કોઈ ઠેકાણા નહિ, મેલો ચહેરો.

ક્લાસમાં અમે જ્યારે એને સ્વચ્છ કરીએ તો એટલો રુપાળો લાગે, અમેરિકન બાળક એટલે ત્વચા ગોરી અને સોનેરી વાળ, પળમાં આખો દેખાવ ફરી જાય. બ્રાયનનો માનસિક વિકાસ ધીમો, પણ ચહેરા પર હમેશા હાસ્ય!

હાથની કમી જાણે ભગવાને પગ મજબૂત કરી પુરી કરી હોય એમ ઝડપભેર દોડી રમતના મેદાનમાં બોલને લાત મારી હવામાં ઉછાળે અને ખિલ ખિલ હસી પડે. એનુ એ હાસ્ય જોવા જ અમે વારંવાર બોલ એના પગ પાસે મુકીએ.  કેવા અનોખા આ બાળકો હોય છે, પોતાની તકલીફ ભુલી નાની નાની  વસ્તુમાંથી પણ કેટલો આનંદ મેળવતા હોય છે !!

એક વસ્તુ જરુર કહેવી પડે, અમેરિકામાં દરેક બાળકને બધી સુવિધા મળી રહે એ માટે સરકાર હમેશા જાગૃત.

બ્રાયન માટે ખાસ કસરત કરાવવા થેરાપીસ્ટ આવે. એને પગની આંગળી વચ્ચે કલર ક્રેયોન મુકી કલર કરતાં, પેન્સિલ મુકી લખતાં શિખવાડવા પગના સ્નાયુ મજબુત હોવા જરુરી એટલે ખાસ  કસરત કરાવવામાં આવે, સાથે અમને પણ બ્રાયન સાથે કેવી રીતે કામ કરવું એની ખાસ ટ્રૈનીંગ આપે. બ્રાયન માટે ખાસ  પ્રકારનુ કોમ્પ્યુટર ક્લાસમાં આવ્યું જેનુ માઉસ બ્રાયનના માથા પર પટ્ટાની જેમ પહેરાવવામાં આવ્યું અને એનો વાયર કોમ્પ્યુટર સાથે જોડવામાં આવ્યો, જેથી બ્રાયન ડોક હલાવી, ઉપર નીચે કરી સ્ક્રીન પર ક્લીક કરી શકે અને બાળગીતો સાંભળી શકે,એ,બી,સી,ડી વગેરે શીખી શકે.

સ્વભાવિક છે જ્યાં આટલો પ્રેમ અને લાગણી મળતી હોય તો બ્રાયન ઘરે જવા રાજી ન હોય! સામાન્ય રીતે અમારા  અનોખા બાળકોને બીજી ખાસ સમજ ન પડે, પણ મોટાભાગે બાળકો એક જ સવાલ પુછતા હોય કે “મમ્મી ક્યારે આવશે” પણ બ્રાયનના મોઢે અમે ક્યારેય મમ્મીનુ નામ સાંભળ્યુ નહિ. સદા હસતો બ્રાયન જ્યારે ઘરે જવાનો સમય થાય એટલે ઉદાસ થઈ જાય, બધા બાળકોને ઘરે જતાં જોઈ રહે કારણ એની મમ્મીનો કોઈ સમય નક્કી નહી. મોટાભાગે મોડી જ લેવા આવતી હોય. કેટલીય વાર સ્કૂલમાં થી ફોન જાય, સ્કૂલ કાઉન્સિલરને મળવા બોલાવવામાં આવે પણ જાતજાતના બહાના બતાવી આવવાનુ ટાળે.

બ્રાયન અમારો social butterfly, ઘરમાં જે પ્રેમની કમી એ મહેસૂસ કરતો એ સ્કૂલમાં આવી બધા સાથે ખુબ બોલીને પુરી કરતો, જાણે બધા પાસે વ્હાલની અપેક્ષા હોય!!!

એક દિવસ બ્રાયન સ્કૂલમાં આવ્યો અને એના ચહેરા પર, વાંસા પર મારના નિશાન જોયા. આવા કેસમાં અમારે તરત શાળાના પ્રિન્સીપાલ, કાઉન્સિલરને બોલાવી લેખિત ડોક્યુમેન્ટ કરવા પડે, અને કાઉન્સિલર તરત CPS (child protection service)  ને જાણ કરે. બ્રાયન માટે અગાઉ પણ આ સમાજ સેવકોને જાણ કરવામાં આવી હતી એટલે આ વખતે આ સંસ્થાના સભ્ય સ્કૂલમાં આવ્યા અને બ્રાયનનો કબ્જો લઈ તરત પોતાની સાથે લઈ ગયા, ત્યાર પછી બ્રાયન ક્યાં ગયો એની અમને કોઈ ખબર નહોતી.

આ સંસ્થા પાસે અધિકાર હોય અને એ લોકો આવા બાળકોને પોતાની પાસે રાખે અને ફોસ્ટર પેરેન્ટ્સ તરીકે એની કાળજી લે.

આજે જ્યારે મેં બ્રાયનને જોયો તો એનામાં ઘણુ પરિવર્તન હતું, ચોખ્ખો સુઘડ અને સ્વસ્થ લાગતો હતો, જે પ્રેમથી એ વંચિત હતો, એ કદાચ એને મળી ગયો હતો!!!!

શૈલા મુન્શા.

Posted in Uncategorized | Leave a comment

ઈસ્માઈલ

“પારણે ઝુલતું, આંબા ડાળે ડોલતું,

કેવું અદ્ભૂત છે મારૂં બાળપણ.

મોજ મસ્તી કરતું, ધીંગા મસ્તી કરતું,

કેવું અજાયબી છે મારૂં બાળપણ.”

મસ્તીખોર આ બાળપણ એકવાર જાય પછી પાછુ ક્યાં મળે છે !!! પણ આપણે આપણા બાળકોમાં, પૌત્ર પૌત્રીમાં ફરી આપણુ બાળપણ જીવી લેતા હોઈએ છીએ.

હું તો ઘણી નસીબદાર છું કે મારા આ અનોખા બાળકો સાથે કામ કરતાં અનાયાસે આ માસુમિયત આ બાળપણ ફરી જીવવાની રોજ તક મળે છે.

આ વર્ષે એક નવો છોકરો ક્લાસમા આવ્યો છે નામ એનુ ઈસ્માઈલ. પહેલા તો નામ સાંભળી મને થયું કે કોઈ મુસ્લિમ બાળક હશે, પણ જ્યારે જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મેક્સિકન બાળક છે. મેક્સિકન ભાષા ના શબ્દો અને ભારતિય ભાષા ના શબ્દો ઘણા મળતા આવે છે. સંસ્કૃતિ પણ ઘણી મળતી આવે.
બીજા મેક્સિકન બાળકો ની જેમ ઈસ્માઈલ પણ તંદુરસ્ત અને ગોળ ચહેરો. માતા પિતા ઘણા જુવાન અને પ્રેમી પંખીડા ની જેમ બન્ને હમેશા ઈસ્માઈલને સાથે મુકવા આવે. દેખાઈ આવે કે ઈસ્માઈલ ને વધુ પડતા લાડ લડાવવામા આવી રહ્યા છે. તોફાની ઈસ્માઈલ એમના રહેઠાણ ના સ્થળે બીજા બાળકોને રમતા ધક્કો મારી પાડી નાખે, આટલા નાનકડા બાળકને વાત વાતમાં ખોટું લાગી જાય, રમતાં રમતાં પોતાનુ ધાર્યું ન થાય તો એક ખુણામાં જઈ બેસી જાય, વગેરે વાતો એમણે જ અમને કહી હતી અને રમત ના મેદાન મા અમે પણ એ જોયું.
સ્વભાવિક જ અમારે ફક્ત ઈસ્માઈલ નહિ પણ બીજા બાળકોની સુરક્ષા નો પણ ખ્યાલ રાખવાનો હોય એટલે થોડી સમજાવટ થોડા કડક થઈને એ આદત દુર કરવામા અમે સફળ થયા. ધીરે ધીરે ઈસ્માઈલ બધા સાથે હળી ગયો. ઈસ્માઈલ અમારા ક્લાસમાં વાચા પુરી ન ખુલવાને કારણે હતો. લેબલ તો હતું Autistic child નુ, પણ દેખાઈ આવતું હતુ કે માતા પિતાના લાડે એને જીદ્દી બનાવી દીધો હતો.
ખરી મજાની વાત હવે આવે છે. આ વર્ષે અમારા બાળકો દર વખત કરતાં બોલકાં વધારે છે. સામાન્ય રીતે ત્રણ વર્ષનુ બાળક જ્યારે ક્લાસમા આવે ત્યારે ચુપચાપ હોય પણ થોડા જ સમયમાં  મોટાભાગના બાળકોને સંગત ની રંગત લાગી જાય.

આમ જોવા જઈએ તોદુનિયા મા બીજાની મદદ કરનાર માણસો શોધવા પડે પણ અમારા ક્લાસમા એની કોઈ કમી નહિ.
અમારા ક્લાસની જેનેસિસ બપોરે ઘરે જવાના સમયે જે મમ્મી કે પપ્પા પોતાના બાળકને લેવા આવે એમને તરત જ દોડીને બાળકનુ દફતર એનો નાસ્તાનો ડબ્બો કે જે વસ્તુ હોય તે મમ્મી, પપ્પાના હાથમા જઈને આપી આવે. હમેશ મદદ કરવા તત્પર.
આજે જ્યારે મોનિકા ના પિતા એને લેવા આવ્યા કે તરત જેનેસિસ દફતર લેવા દોડી અને દફતર લઈ મોનિકા ના પિતા ના હાથમા આપ્યું. અચાનક ઈસ્માઈલનો ભેંકડો સંભળાયો. એક ક્ષણ તો હું ને સમન્થા હક્કબક્કા થઈ ગયા. અચાનક ઈસ્માઈલને શું થયું! એ ભાઈ પણ દોડતા જઈને સેવાનુ કામ કરવા માંગતા હતા, પણ મોડા પડ્યાં.ઈસ્માઈલના રડવાનુ કારણ સમન્થાને ના સમજાયું પણ મને ખ્યાલ આવી ગયો. તરત મે મોનિકા ના પિતાને કહ્યું”મહેરબાની કરી મને દફતર પાછું આપો”
દફતર લઈ ખીંટીએ જઈ લટકાવ્યું. ઈસ્માઈલ દોડીને દફતર લઈ આવ્યો,અને જાણે આખી દુનિયા પર વિજય પ્રાપ્ત કર્યો હોય તેમ  ગર્વભેર દફતર મોનિકા ના પિતા ના હાથમા આપી આવ્યો. એનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો. કેવું અનોખુ છે આ બાળપણ !!!!
ગાલ પર આંસુ અને હાસ્યનો  એ અનુપમ નજારો આ બાળકો સાથે કામ કરવાનો ઉત્સાહ હમેશ જીવંત રાખે છે.
રોજની આ મસ્તી અને એમનો વિશ્વાસ એમની માનસિક વિકલાંગતા ને ભુલાવી વધુ વહાલ જગવે છે.

શૈલા મુન્શા.

Posted in Uncategorized | Leave a comment

વાત અમારા ડેનિયલની !!

” બા મેં તો બાગમાં બાંધી નિશાળ,

ભણવાને આવે છે ચકલીઓ ચાર!”

આ બાળગીતની પંક્તિ અમારા ડેનિયલની યાદ અપાવે.  ડેનિયલનુ ચાલે તો બાગમાં જ નિશાળ બાંધે. કયા બાળકની ઈચ્છા ન હોય, કે આખો દિવસ બાગમાં રમવા મળે!

દુનિયાના કોઈપણ બાળકની સમજ શક્તિ અને રમતને કોઈ સંબંધ નથી. ખુલ્લામાં દોડવું, લસરપટ્ટી પર લસરવું, બાળકોનો જાણે જન્મસિધ્ધ હક્ક છે.

ડેનિયલ અત્યારે બીજા ધોરણમા છે. અમારા નાના ભુલકાં અને બીજા ધોરણના બાળકોનો  બહાર  મેદાનમાં રમવાનો સમય સરખો, ફરક એટલો કે અમે નાનકડા મેદાનમાં હોઈએ જ્યાં મેદાન ફરતે વાડ બાંધેલી હોય જેથી નાના બાળકો સુરક્ષિતતાથી રમી શકે, અને મોટા બાળકો ખુલ્લા મેદાનમાં રમતા હોય.

અર્ધા કલાક પછી જ્યારે મોટા બાળકોનો ક્લાસમાં જવાનો સમય થાય ત્યારે બીજા બાળકો તો શિક્ષકની એક બુમે લાઈનસર ગોઠવાઈ જાય, પણ ડેનિયલ ક્યાંક લસરપટ્ટી પાછળ, કોઈ બાંકડાની પાછળ છુપાયેલો હોય! આખા મેદાનમાં ડેનિયલના નામની બુમ ગુંજતી હોય, એકાદ બે બાળકો એને શોધવા નીકળે, છેવટે મીસ જેમ્સ આખરી અલ્ટીમેટમ આપે ” Deniyal we are going in, no more computer time for you” અને ડેનિયલભાઈ જ્યાં છુપાયા હોય ત્યાંથી બહાર આવે.

ડેનિયલ એક ADHD બાળક છે. ત્રણ વર્ષનો હતો ત્યારે અમારા ક્લાસમાં એને Autistic બાળક તરીકે દાખલ કરવામાં આવ્યો. ડેનિયલ સ્પેનિશ બાળક અને માતા પિતા સાવ અભણ, એટલે સ્વભાવિક ડેનિયલ અંગ્રેજી ન સમજે, જબાન પણ થોડી તોતડી, શરીરે ભરાવદાર અને બધી વસ્તુ એને માટે જાણે અતિશય હોય એવી રીતે ઉલ્લેખ કરે. થોડા થોડા અંગ્રેજી શબ્દો શીખવા માંડ્યો એટલે જ્યારે બીજા ક્લાસના બાળકો સાથે સંગીતના ક્લાસમાં કે કસરતના ક્લાસમાં જઈએ એટલે એક રટણ ચાલુ થઈ જાય ” too many, too many” કસરત કરવાનો આળસુ, એક જગ્યાએ બેસી રહે અને ઉભા કરવાનો પ્રયાસ કરીએ તો ટસનો મસ ન થાય. આ બાળકો પર જબરજસ્તી પણ ન થાય કે કડક અવાજે વાત પણ ન થાય.

બીજી કશી સમજ પડે કે ન પડે પણ અદેખાઈ તો આ બાળકોમાં પણ સામાન્ય બાળક જેવી જ જોવા મળે.

એકવાર કસરતના ક્લાસમાં નવા આવેલા મીકેલને મેં બેહાથે ઝુલાવવા માંડ્યો, હલકો ફુલકો મીકેલ તો ખુશ ખુશ થઈ કિલકારી કરવા માંડ્યો, એનુ જોઈ વેલેન્ટીનો પણ દોડી આવ્યો. એને પણ ઝુલાવ્યો, ને બસ કસરત કરવા ઊભો ન થતો ડેનિયલ દોડી આવ્યો, હાથ લાંબા કરી ઝુલાવવા માટે ઈશારા કરવા માંડ્યો! ડેનિયલને ઝુલાવવો એ મારા એકલાનુ કામ નહિ, છેવટે કસરત કરાવવાનુ બાજુ મુકી મી. કેહી આવ્યા અને ડેનિયલને થોડીવાર ઝુલાવ્યો ત્યારે એ રાજી રાજી થતો ખડખડ હસવા માંડ્યો.

અમેરિકામાં સ્પેસિઅલ નીડ બાળકોના દર ત્રણ વર્ષે બધી જાતના ટેસ્ટ થાય. એમની શારિરીક ખામીમાં કાંઈ વધારો, ઘટાડો, સામાન્ય જ્ઞાનમા કાંઈ સુધારો વગેરે જાતજાતના ટેસ્ટ થાય.

Autistic ADHD બાળકો આ પરિક્ષામાં ઘણીવાર સામી વ્યક્તિને ચકિત કરી દે, એટલા સરસ જવાબ આપે કે જો એના માર્ક ૧૦૦માં થી ૬૯ જેટલા આવે તો એની ગણત્રી નોર્મલ બાળકમાં કરી એને પહેલા ધોરણમા સામાન્ય બાળકો સાથે મોકલવામાં આવે.

ડેનિયલને પણ પહેલા ધોરણમાં મોક્લવામાં આવ્યો અને તકલીફ શરૂ થઈ. આ બાળકોનો ગમો અણગમો ખુબ સ્ટ્રોંગ હોય, બોલવામાં કદાચ એમનો વ્યવહાર સામાન્ય લાગે, પણ બૌધિક સ્તરે તો એ પાછળ જ હોય ક્લાસમાં જે શિખવાડાય એ સહજતાથી ગ્રહણ ન કરી શકે, શિક્ષક પણ પચીસ બાળકો સાથે કામ કરે એટલે વ્યક્તિગત ધ્યાન આપી ન શકે, ઘણીવાર અજાણતા આ બાળકો સાથે અન્યાય થઈ બેસે, પરિણામ સ્વરુપ આ બાળકો વધુ અગ્રેસીવ બની બેસે.

ડેનિયલ સાથે પણ કંઈ એવું જ થયું. ડેનિયલ ક્લાસમાં થી ભાગી જવા માંડ્યો, ક્લાસમાં પણ એટલો ઉપદ્રવ કરવા માંડ્યો, આખો દિવસ બસ એને કોમ્પ્યુટર પર PBS KIDS video કે starfall પર ગેમ રમવા જોઈએ. શિક્ષક જો એને આખો દિવસ કોમ્પ્યુટર પર બેસવા દે, તો બીજા બાળકોને પોતાનુ કામ કરવામાં અવરોધ આવે, કારણ ડેનિયલ તો વિડિયોના ક્યુરિઅસ જ્યોર્જ સાથે એના જેવા ચાળાં કરે અને ખડખડાટ હસે!

કાફેટેરિઆમાં જમવા જાય તો આખા કાફેટેરિઆનુ મનોરંજન કરે, બધા ટેબલ પર જઈ કાંક અટકચાળું કરે, પોતે તો જમે નહિ પણ બીજા બાળકો પણ જમવાને બદલે મસ્તીના મુડમાં આવી જાય. બાળકોને તો મજા આવે, પણ શિસ્ત ન જળવાય અને મોટા બાળકો તો જાણી જોઈ ડેનિયલને ચીઢવે.

છેવટે ડેનિયલને જમવાના સમયે અમારા ક્લાસમાં મોકલવાનુ નક્કી કર્યું, અમારી સાથે ત્રણ વર્ષ રહ્યો એટલે થોડું અમારુ સાંભળે અને અમારા બાળકો એ વખતે સુતા હોય એટલે ચુપચાપ જમી લે, કહેવું તો એને ઘણુ હોય પણ અમારો “અવાજ નહિ” નો ઈશારો જોઈ ચુપ થઈ જાય.

આ શિક્ષણ પધ્ધતિ આ અનોખા બાળકોના ભવિષ્યને ઉજ્વળ કરશે કે ?????

શૈલા મુન્શા

Posted in Daily incidents. | Leave a comment