વાત મારી મંજરીની !!

ઓળી ઝોળી પીપળ પાન,

ફોઈએ પાડ્યું મંજરી નામ!

મનના પટારાનુ તાળું એક સમાચારે ખુલી ગયું! બાળપણની એ વાતોને એ યાદો મંજરીની જેમ મહેકી ઉઠી. એ હતી પણ વસંતના વાયરે મહેકી ઉઠતા આંબાના મહોર જેવી.

મુંબઈથી મારી સહેલી નયનાનો ફોન હતો, મંજરીનુ અવસાન થયું હતુ, સાઠ વર્ષની મંજરી એકલી એક વૃધ્ધ માજી સાથે રહેતી હતી. એક માનસિક વિકલાંગ બાળકી તરીકે  એનો જન્મ થયો હતો!

ત્રણ ભાઈની એકની એક બહેન, નામ  એનુ મંજરી. બે ભાઈ પછી એનો જનમ!

બે ત્રણ મહિનામાં જ મમ્મી પપ્પાને ખ્યાલ આવી ગયો કે આ દિકરી કાંઈક અનોખી છે, ચહેરાની, એ ઘાટની ઓળખ મંગોલિયન બાળક તરીકે થાય. આ વાત આજથી લગભગ સાઠ વર્ષ પહેલાની છે, જ્યારે ભારતમાં પોતાનુ બાળક જો માનસિક વિકલાંગ હોય તો માતા પિતાને પણ એ બાળક સમાજની નજરે લાવવું ઓછું ગમે.

મંજરીનુ ઘર અમારા પાડોશમાં જ અને બન્ને પાડોશી વચ્ચે ઘર જેવો નાતો. મંજરી જેમ જેમ મોટી થતી ગઈ, એની માનસિક અવસ્થા અમ બાળકો માટે કૌતુક બનતી ગઈ.

મારી યાદના પટારામાં પહેલી યાદ, પાંચ વર્ષની હું બાળમંદિરે જવા તૈયાર અને મંજુ(બધા એને મંજુ કહીને જ બોલાવતા) એના ઘરના દરવાજે ઊભી હાથના ઈશારે પુછતી રહી” ક્યાં જાય છે” એના બાળ ચહેરા પર એક જ સવાલ હતો, આજે એની સાથે કોણ રમશે?

મારા બાળમાનસમા પણ કંઈ એવી સમજણ નહોતી કે મંજુ કેમ સ્કૂલે જઈ ન શકે? માનસિક વિકલાંગતા કે Autism ની કઈ ખબર નહોતી. મંજુ કંઈ પાગલ નહોતી, બોલી શકતી પણ એનો બોલવાનો લહેકો જુદો હતો.

થોડા મોટા થયા પછી ખ્યાલ આવ્યો કે મંજુ પોતાની દરેક વસ્તુ મટે ખુબ ચોક્કસ હતી, કપડાં ગડી કરે તો જાણે કોઈએ ઈસ્ત્રી કરી મુક્યા હોય એવાં લાગે. એની એક નાનકડી એલ્યુમિનીયમની પેટી એમા નોટબુક, પેન્સિલ, એનો હાથરૂમાલ બધુ એવું સરસ ગોઠવીને મુકેલું હોય, જો કોઈ એની પેટીને હાથ લગાડે, કે અંદરની વસ્તુ આઘીપાછી કરે તો એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય. નોટમાં આડા ઉભા લીટા કરે અને હસતી હસતી બતાવવા લઈ આવે. નવી કોઈ વ્યક્તિ ઘરે આવી હોય, તો એક જ માંગણી “મારી નોટબુક ભરાઈ ગઈ છે, નવી લાવી આપો” આ નિશાની Autismની એવો કંઈ ખ્યાલ પણ ત્યારે નહોતો

જેમ જેમ અમે મોટા થતા ગયા, એક વાતની મારે ખાસ દાદ આપવી પડે, મંજરીના મમ્મી પપ્પા અને ભાઈઓ જરાય શરમાયા વગર મંજુને બધે સાથે લઈ જાય, હમેશા મંજુ સરસ તૈયાર થયેલી હોય, અને મંજુને પણ જો વાળ સરખાં ઓળાયા ન હોય તો એકધારુ ચોટલો બરાબર નથી નુ રટણ ચાલુ થઈ જાય.

ત્રણે ભાઈઓ ખુબ હોશિયાર, હમેશા અવ્વલ નંબરે પાસ થાય, પપ્પા નામી વકીલ, મમ્મી પણ એ જમાનામાં મેટ્રિક પાસ. ઘણીવાર વિચાર આવે, ભગવાનની મરજીનો કોણ પાર પામી શકે?

એ જમાનામાં મુંબઈમાં પણ આવા અનોખા બાળકો માટે પ્રગતિના સોપાન જેવી સંસ્થાનો એટલો વિકાસ નહોતો, છતાં બધે તપાસ કરી પપ્પાએ સ્પેસીઅલ નીડ બાળકોની શાળાની માહિતી મેળવી અને મંજુને એમા દાખલ કરી. મંજુમાં ઘણુ પરિવર્તન જોવા મળ્યું.

આજે અમેરિકામાં જ્યારે હું આવા માનસિક વિકલાંગ, Autistic બાળકો સાથે કામ કરું છુ, ત્યારે ઘણા એવા પ્રસંગ બનતા અને મને મંજુ યાદ આવી જતી. અમારી સાઝિયા જ્યારે પહેલીવાર માસિક ધર્મમાં આવી અને એનો ગભરાયેલો ચહેરો જોયો ત્યારે મને મંજુ અને એની મમ્મીનો ડર યાદ આવી ગયા, ત્યારે તો મારી સમજ પણ કાચી હતી,પણ આજે મંજુની મમ્મીના એ વાક્યોનો અર્થ સમજાય છે. “નોકર ચાકરવાળા ઘરમાં મંજુનો કોઈ ગેરલાભ ન લે એટલે એનુ ઓપરેશન કરાવી દીધું”

અમેરિકા આવ્યા બાદ થોડાં વર્ષો  પછી જ્યારે મુંબઈ ગઈ ત્યારે મંજુની ભાળ કાઢી ખાસ એને મળવા ગઈ. નયના પાસેથી સમાચાર મળ્યાકે મંજુના મમ્મી પપ્પા તો અવસાન પામ્યા અને ભાઈઓ લંડન વસે છે. ભાઈઓ તો મંજુને પ્રેમથી રાખવા તૈયાર છે, પણ મંજુને ત્યાં જરાય ગોઠતું નહોતું એટલે મમ્મીએ એમના જીવતાં જ એક ઘરડાં માજીને પોતાના ઘરે મંજુની દેખભાળ કરવાં રાખી લીધા હતાં. માજી પણ મંજુનો સગી દિકરી જેટલો ખ્યાલ રાખતા. મુંબઈનો ફ્લેટ ભાઈઓની સંમતિથી પપ્પાએ વીલ કરી મંજુના નામે અને જ્યારે મંજુ ન હોય ત્યારે માજીને મળે એવી ગોઠવણ કરી હતી.

કેટલા વર્ષો બાદ હું મંજુને મળતી હતી, મને જોતાની સાથે મંજુ બોલી ઉઠી “શૈલા જો ને મારી નોટબુક ભરાઈ ગઈ છે, આ સવિતાબેન તો નવી લાવતાંજ નથી, તું મારા માટે નવી નોટબુક લઈ આવીશ?” આટલાં વર્ષો પછી પણ મંજુ મને ભુલી નહોતી!!

આજે આ મારાં નોખાં તોય અનોખા બાળકો સાથે કામ કરતાં મનમાં હમેશ કંઈક વિશેષ પ્રેમની લાગણી છલકતી રહે છે, એનુ કારણ મંજુ સાથે વિતાવેલું મારું બાળપણ તો નહિ હોયને !!!!!!

Advertisements
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s