વાત અમારા ડેવિડની!

અમેરિકામાં સ્કૂલમાં બાળકોના એડમિશન ગમે ત્યારે થતાં હોય, કારણ નોકરીની બદલી, ઘરની બદલી આ બધી સહજ વાતો કહેવાય અને પબ્લિક સ્કૂલમાં  એ અરિયામાં રહેતા બાળકોને ના નપાડી શકાય.

સામાન્ય ક્લાસમાં નવું બાળક આવે એને ગોઠવાતા બહુ વાર ન લાગે, પણ જ્યારે માનસિક રીતે વિકલાંગ બાળકો આવે ત્યારે ફક્ત એમને જ નહિ, બીજાં બાળકોને અને શિક્ષકને પણ સમય લાગે.

અમારા “life skill” ના  ક્લાસમાં હમણા એક નવો છોકરો આવ્યો છે. નામ એનુ ડેવિડ. માનસિક રીતે ઘણો જ મંદ. આ બાળકોની એક ખાસિયત હોય છે. આ બાળકોના ચહેરા ગોળ હોય અને લગભગ બધા સરખા જ લાગે. આપણી ભાષામાં કહીએ તો આ બાળકોમાં ગાંડપણનુ પ્રમાણ વિશેષ હોય. આવા ચહેરાવાળા બાળકો મોંગોલિયન બાળક તરીકે  ઓળખાય. આ ડેવિડને જોઈ સાત આઠ વર્ષ પહેલા મારા ક્લાસનો બીજો ડેવિડ યાદ આવી ગયો.

આજે વાત  મારે બીજા ડેવિડની કરવાની છે. થોડા વર્ષો પહેલા હું “life skill” ના ક્લાસમાં ભણાવતી હતી. પહેલા ધોરણથી માંડી પાંચમા ધોરણ સુધીના બાળકો મારા ક્લાસમાં. વિવિધતાનો જાણે થાળ ભરેલો! કંઈ કેટલાય અનોખા અવનવા બાળકો હાથ નીચેથી પસાર થઈ ગયા.

મન પણ કેવું અજાયબ છે, આ બાળકોના મનમાં શું ચાલતું હશે એ તો સમજની બહાર છે પણ એમની કોઈ અનોખી વાત વર્ષો પછી પણ યાદ આવે ત્યારે ક્યારેક મનોમન હસવું પણ આવે અને ક્યારેક મન ગ્લાનિથી પણ ભરાઈ જાય.

ડેવિડ જ્યારે આવ્યો ત્યારે લગભગ દશ વર્ષનો હતો, ગોળ ચહેરો, ઉંચો અને વજન ખાસ્સું. જ્યારે જુઓ ત્યારે હસતો જ હોય. ટુંકા વાળ અને ચમકતા દાંત! બોલે કાંઈ નહિ પણ જાણે ગીત ગણગણતો હોય એવું લાગે. ક્લાસમાં થોડા નાના બાળકો પણ ખરાં, એમની પાસે ડેવિડ કદાવર લાગે.

ડેવિડના મગજની કઈ ચાવી ક્યારે ખોટા તાળામાં લાગે તે ખબર ન પડે. જેમ કોમ્પ્યુટર પર કોઈ વારતાં લખતાં હોઈએ અને સેવ કરીએ તે પહેલા કોઈ ખોટું બટન દબાઈ જાય ને પળમાં બધું ભુસાઈ જાય તેમ આ બાળકોના મનની પાટી ઉપર જે અંકાયું હોય તે કઈ ઘડીએ અને કયા કારણે ભુંસાઈ જાય એ સમજવું અઘરૂં પડે.

સામાન્ય રીતે તો ડેવિડ હમેશા ખુશમિજાજમાં હોય પણ ક્યાંક કમાન છટકે તો તાંડવ મચી જાય.

અમારા ક્લાસમાંબે મોટી બારી, જેના કાચ ઉપર કરી બારીની બહાર જઈ શકાય. ડેવિડને નાની વાર્તાની બુકમાં પ્રાણીઓના ફોટા જોવા ગમે, સાથે હાથમાં જો ક્રેયોન કલર પેન્સિલ આવે તો બુકમાં લીસોટાં કરવા ગમે.

ડેવિડ એવું કરે ત્યાં સુધી તો ઠીક, પણ એનુ જોઈ બીજા બાળકો પણ એમ કરે! મોટાભાગે તો અમે કલર પેન્સિલ સહેલાઈથી ડેવિડના હાથમાં ન આવે એનુ ધ્યાન રાખીએ, પણ જો બોક્ષ એના હાથમાં આવી ગયું તો પછી પાછું લેવું મુશ્કેલ.

એકવાર આવી જ કોઈ બાબતમાં ના પાડી, અને હજી કાંઈ વિચારીએ તે પહેલા તો ડેવિડ બારી ખોલી બહાર ભાગી ગયો. બીજાં બાળકો બેબાકળાં થઈ ડેવિડના નામની બુમ પાડવા માંડ્યા. તરત અમે ઓફિસનુ બઝર દબાવી જાણ કરી કે એક બાળક અમારા ક્લાસમાંથી બહાર નીકળી ગયો છે, અને ત્યારે મીસ હોપેક તરત બહાર નીકળીડેવિડને પાછો લાવવા ગઈ.

શાળાની ચારેતરફ લોખંડની ફેન્સ છે અને દિવસ દરમ્યાન કોઈપણ વિધ્યાર્થી સ્કૂલની બહાર ન જઈ શકે, પણ ડેવિડને પકડવો જરૂરી હતો. મીસ હોપેકે જોયું કે ડેવિડ તો ભાગીને સ્કૂલના નાનકડાં પાર્કમાં મન્કી બાર પર રમતો હતો.

ખરી મઝા તો એ દિવસે આવી જ્યારે મારું હસવું અને મારી ગભરામણ બન્ને રોક્યા રોકાતા નહોતા.

રાબેતા મુજબ અમે બાળકોને જમવા કાફેટેરિઆમાં લઈ જતા હતા. ક્લાસની બહાર બધાને લાઈનમા ઉભા રાખી હું આગળ વધી અને બાળકો મારી પાછળ ચાલવા માંડ્યા. સવારથી જ ડેવિડ ખુબ મુડમાં લાગતો હતો. હસતો હસતો જઈને બીજા બાળકોને કાંઈક અટકચાળો કરી આવતો.

અચાનક લાઈનમાંથી બહાર આવી ડેવિડે મને પાછળથી ઉંચકી લીધી. ક્ષણભર તો મને સમજ જ ન પડી અને ડેવિડ તો ગોળ ગોળ ફરતો ખડખડાટ હસતો હતો. “Devid please put me down, put me down” ની મારી વિનંતીને કોણ સાંભળે? એકબાજુ મને હસવું આવતું  હતુ ને બીજી બાજુ થોડો ડર પણ હતો, ક્યાંક એને કે મને વાગી ન બેસે!!

છેવેટે કલર પેન્સિલઆપવાની બાહેંધરીએ એણે મને નીચે તો ઉતારી, પણ આજે જ્યારે એ પ્રસંગ યાદ આવી જાય તો મારા ચહેરા પર હળવું હાસ્ય ફરકી જાય છે!

મનના પટારામાં આવા કેટલાય પ્રસંગો ગોપાયેલા છે!

શૈલા મુન્શા.

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s