વાત અમારા એબડિઆસની!

“હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.”  કવિ દલપતરામ

ચાર વર્ષનો એબડિઆસ અમારા ક્લાસમા થોડા વખત પહેલા જ આવ્યો.  બાળક નાનુ હોય કે પચાસ વર્ષનો પ્રૌઢ, સહુને મન “મા એ  મા બીજા બધાં વગડાના વા!”! એનો વહાલભર્યો હાથ માથે ફરે અને સઘળી આપદા દુર થઈ જાય!!! એબડિઆસ માટે પણ એની સઘળી વાતોનુ કેન્દ્ર એની મમ્મી.

એબડિઆસ બીજા મેક્સિકન બાળકો જેવો જ નાનકડો રેશમી વાળ અને ગોળ ચહેરાવાળો બાળક છે, ફરક એટલો જ કે માતાની કાળજી અને દેખભાળ દેખાઈ આવે. સરસ ઈસ્ત્રીવાળો યુનિફોર્મ, સરસ રીતભાત. પહેલે દિવસે ક્લાસમા આવ્યો તો હું ને સમન્થા, જોતા જ રહી ગયા. આ બાળક કેમ અમારા ક્લાસમા છે? હસમુખો ચહેરો ક્લાસમા સહુથી નવો પણ સહુથી હોશિયાર, સ્પષ્ટ ઉચ્ચાર, ને કેમ અહીં?

થોડા વખતમા અમને ખ્યાલ આવી ગયો કે એબડિઆસ એક “Autistic” બાળક છે જે દેખાવમાં તો બીજા સામાન્ય બાળક જેવો જ લાગે, પણ એનુ વર્તન, એની દિનચર્યા અમુક ઢાંચામા ગોઠવાયેલી હોય એમા ફેરફાર એનુ મગજ સહેલાઈ થી અપનાવી ના શકે.

અમારી સાથે તો એબડિઆસ થોડા દિવસમા હળીમળી ગયો, રોજ સવારે આવતાની સાથે અમને  ગુડ મોર્નીંગ કહે, બીજા બાળકોને પણ કહે પણ બધા જવાબ ના પણ આપે, પણ જો સંગીતના સર ક્લાસમા આવે અને કહે એબડિઆસ કેમ છે તો જવાબ ના આપે અને અને એવી રીતે સામે જુએ કે જાણે એને કાંઈ સમજ નથી પડતી.રમતાં રમતાં અચાનક સ્થિર થઈ ઉભો રહી જાય, ત્યારે એના ચહેરા પર એવા ભાવ હોય કે કોઈને પણ ઓળખતો નથી. આ બાળકો બહુ બધા માણસો કે બાળકો વચ્ચે પોતાની જાતને એક કોચલામા સમેટી લે.

એકની એક વાત એબડિઆસ આખો દિવસ કરે. મારી મમ્મી મને લંચ આપવા આવશે, મને ત્રણ વાગે લેવા આવશે, અને ખાસ તો જો કોઈ બીજું બાળક પોતાના ઘરની કોઈ વાત કરતું હોયકે કાલે હું મારા મમ્મી પપ્પા સાથે વોલમાર્ટ ગયો હતો, તો તરત જ એબડિઆસ બોલી ઉઠે ,”હુંને એલેક્ષ કાલે મમ્મી સાથે વોલમાર્ટ ગયા હતા”

એબડિઆસની મમ્મી જ્યારે બપોરે એને લેવા આવે ત્યારે એટલા લહેકાથી રાગ આલાપતો હોય એમ મોટા અવાજે “ઓલા મમ્મી” એટલે (કેમ છે મમ્મી) કહે.

આજે જે વાત મારે કરવી છે  તે એના ગુસ્સાની અને આટલા નાનકડાં બાળકના સ્વાભિમાનની છે, જેણે અમને પળમાં હસતા બંધ કરી દીધા.

દર શુક્રવારે અમે બાળકોને સવારે નવ વાગ્યે કોમ્પ્યુટરના ક્લાસમા લઈ જઈએ.સ્કુલમા અમારો ક્લાસ એક બાજુ અને કોમ્પ્યુટરનો બીજા છેડે ત્યાં પહોંચવા માટે અમારે કાફેટેરિઆ પાસેથી પસાર થવું પડે. એબડિઆસ અમારો લાઈન લીડર. જેવા અમે કાફેટેરિઆ પાસે આવ્યા, એ અંદર જવા માટે વળી ગયો કારણ દસ વાગે અમે એમને જમવા માટે રોજ લઈ જઈએ. બીજા એક શિક્ષક ત્યાં ઊભા હતા એ અને  સમન્થા ને હુંએકદમ  હસી પડ્યા કે આ બાળકોનુ  મગજ દરરોજના રુટિનથી કેવું સેટ થઈ ગયુ છે. બસ અમારા એબડિઆસ ની કમાન છટકી. ગુસ્સામા ભાઈ બોલી ઉઠ્યા “It’s not funny” એના ચહેરાના હાવભાવ જાણે કેટલું ખોટુ લાગી ગયું હોય એવા થઈ ગયા, અને અમારા ચહેરાનુ હાસ્ય તો જાણે સ્થિર થઈ ગયું.

અચરજની વાત એ છે કે પેલા શિક્ષક તો આભા જ બની ગયા, બીજાની જેમ એમની પણ એવી માન્યતા કે આ બાળકો બિચારા કાંઈ સમજતા નથી ત્યાં એબડિઆસનુ આ રૂપ એમને અચંબિત કરી ગયું.

એબડિઆસ અને એના જેવા બધા બાળકો સામાન્ય બાળકોથી  સાવ અસામાન્ય હોય છે અને યોગ્ય કેળવણી એમને આગળ જતા મોટા વેજ્ઞાનિક કે મોટા ઈતિહાસકાર કે નેતા બનાવે તો એમા કોઈ નવાઈ નથી.

શૈલા મુન્શા.

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s