એડમ

“હું નહિ બોલું જાવ.

નાના નાના તારાઓને તેજ તમારું દેખાડીને કેમ કરો છો હાવ?

સૂરજદાદા, સૂરજદાદા, હું નહિ બોલું જાવ”… -કૃષ્ણ દવે

અમારા એડમ ભાઈ પણ કાંઈ એવા જ છે. સૂરજદાદાને નહિ પણ જાણે અમને શિક્ષકોને કહેતો હોય કે જાવ હું તો નહિ જ બોલું, ભલેને તમે ગીત ગાઈને મને રીઝવો!!

એડમના માબાપ મોરોક્કોથી થોડા વર્ષો પહેલા અમેરિકા આવી સ્થાયી થયા. મોટી ઉમ્મરે જન્મેલો એડમ એક Autistic child છે. ગોરો ગોરો અને વાંકડિયા વાળ. આંખોમા જાણે આખી દુનિયાની અજાયબી ભરેલી એવી બોલકી આંખો, ને મનમોહક સ્મિત એ એની ખાસિયત.

અમારા સ્પેસિઅલ નીડના ક્લાસમા ભાત ભાતના મંદ બુધ્ધિના બાળકો હોય, દરેકની જરુરિયાત પ્રમાણે સંગીત, રંગકામ કે કોમ્પ્યુટર દ્વારા એમની આવડતને મઠારવાનો અમારો પ્રયાસ. એડમ આવ્યો અને એને ક્લાસમા ગમવા માંડ્યુ પણ હજી એની અલિપ્તતા દુર નહોતી થઈ. સૌથી પ્રિય એને કોમ્પ્યુટર.

બધા બાળકો ક્લાસની બધી પ્રવૃતિમા ભાગ લે. ગીત ગાવાનુ હોય કે રંગકામ કરવાનુ હોય, એક એડમ બસ બેસી રહે. કેટલાય પ્રયત્ન કર્યા પણ સફળતા ન મળી. જો આખ્ખો દિવસ એને કોમ્પ્યુટર પર રમત રમવા દઈએ તો ભાઈ ખુશ. આ બાળકોને એમના રોજિંદા નિયમ થી બીજે વાળવા એ સહજ નથી
મારા ક્લાસમા ત્રણ થી પાંચ વર્ષના બાળકો એટલે બપોરે એક વાગે અમે કલાક માટે એમને સુવડાવી દઈએ, પણ એડમને બપોરના સાડાબાર થાય કે ઘસઘસાટ ઊંઘ આવી જાય, પછી ગમે તે જગ્યા હોય. Autistic બાળકો પોતાના નિયમોમા વધુ સંકળાયેલા હોય.

આજે તો ખરી મઝા આવી. અમે સંગીત ના ક્લાસમા હતા અને બધા બાળકો સંગીતના તાલે કસરત કરતા હતા, કાલાઘેલાં શબ્દોમા ગીત ગાવાનો પ્રયાસ કરતા હતા. એમને ગમતા ગીતો હતા એટલે એમને મઝા આવતી હતી,અને ખાસ્સી ધમાલ હતી પણ એડમ તો દુનિયાથી બેપરવા આરામ ફરમાવતો હતો. ઘડીમા માથું આગળ ઢળે ને ઘડીમા પાછળ. એ પડી જાય એ પહેલાં મે એને પકડીને  ઊભો કર્યો તો પણ એજ હાલત. એને જોઈને મને મુંબઈની લોકલ ટ્રેનમા બોરીવલી થી ચર્ચગેટ મુસાફરી કરતા અને ઊભાઊભા કોઈના ખભાના ટેકે ઊંઘ ખેંચી કાઢતા લોકોની યાદ આવી ગઈ.

   બે વર્ષથી એડમ અમારા ક્લાસમા છે પણ બોલવાનુ નામ નહી કાંઈ પણ પુછીએ તો જવાબમા મારકણુ સ્મિત. એવું નથી કે એ મુંગો છે કે એને બોલતા નથી આવડતું પણ એમા પણ જાણે આળસ! એ એના કલ્પના જગતમા જ મશગુલ હોય. જે ના કરવાનુ હોય તે પહેલા કરે અને જે કરવાનુ હોય તે કહી કહીને થાકી જઈએ પણ ધરાર ના જ કરે.

આજે સવારે અમે બાળકો ને બાળગીત ગવડાવતા હતા બધા સુર પુરાવતા હતા પણ એડમ ને બારી બહારનો નજારો જોવામા વધારે રસ હતો. ગીત પત્યા ને પછી રંગકામનો વારો હતો, બીજા બાળકો ચિત્રમા જાતજાતના રંગ ભરવામા મશગુલ હતા. એડમને એની ગમતી પ્રવૃતિ કોમ્પ્યુટર પર બેસાડી આલ્ફાબેટ્સ ચાલુ કરી આપ્યા.

બધા બાળકો શાંતિપુર્વક રંગકામ કરી રહ્યા હતા, ને એકદમ એડમભાઇ એ, બી, સી, ડી લલકારી ઉઠ્યા. હું ને મેરી તો જોતા જ રહી ગયા.
મીસ મેરી બોલી ઊઠી મે મહિનો આવ્યો અને બે વર્ષ થવા આવ્યા, આખરે એડમનો અવાજ સાંભળવા મળ્યો જ્યારે અઠવાડિયા પછી ઉનાળાની રજા પડવાની છે અને પછી ઉઘડતી સ્કુલે એડમ પહેલા ધોરણમા જશે.
આ પ્રકારના બાળકો મા હોશિયારી તો ઘણી હોય છે પણ જલ્દી પ્રગટ થતી નથી. ઘરમા માબાપ પણ બાળકને આખ્ખો દિવસ કોમ્પુટર પર કે ટી.વી ની સામે બેસાડી રાખવાના બદલે વધુ વાતચીત કરવાનો પ્રયાસ કરે તો એ બાળકો પ્રગતિના સોપાન જલ્દી ચઢી શકે.

શૈલા મુન્શા.

 

 

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s