એશલી

“આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ

ઊની ઊની રોટલીને કારેલાનુ શાક”

બાળપણની આ એક વહાલી કવિતા એટલા માટે કે વરસતો વરસાદ મારી પ્રિય ઋતુ. વરસાદમા ભીંજાવુ એ નાનપણ મા જ નહિ, આજે વધતી જતી વયે પણ એટલું જ પ્રિય છે. મુંબઈનો વરસાદ અને જુહુનો દરિયા કિનારો એ આજે અમેરિકામા સ્થાયી થયા પછી પણ ભુલાતો નથી.

તમને થશે કે આજે આ વરસાદ પુરાણ લઈને શું વાત કરવા માંગુ છું, કારણ આ વરસાદે અમારી એશલીની દિનચર્યા ખેરવી નાખી ને એના ઉધામાને કેમ કાબુમા લેવો એ અમારે માટે જટિલ પ્રશ્ન બની રહ્યો. પહેલી વાર મને થયું બાપ !!! આ વરસાદ હવે  વરસવાનુ બંધ કરે તો સારુ!!!!

આજે વાત મારે એશલીની કરવી છે. ભારતમા મોટા બાળકોને ભણાવ્યા અને અહીં અમેરિકામા નાના બાળકો અને તે પણ સાવ અનોખા બાળકોને ભણાવુ છું. દુનિયાની નજરે આ બાળકોને માનસિક વિકલાંગ ગણવામા આવે છે, પણ અમારા માટે દરેક બાળક અનોખુ છે. એમની આવડત અને વર્તન હમેશ અમને અજાયબ કરી દે છે.

જે બાળક જીભના લોચા વળતા હોય એમ બોલતું હોય પણ જ્યારે એ જ બાળક મોટા સ્માર્ટ બોર્ડ પર એ, બી, સી, ડી અને  અક્ષરો સાથે જોડાયેલા શબ્દો બોલે તો એની ભાષા એકદમ સ્પષ્ટ અને સમજાય એવી હોય. આખો દિવસ ભલે લવારી કરતું હોય પણ કવિતા ગાય તો શબ્દો બરાબર બોલાય!

દરેક બાળકની ખાસિયત જુદી હોય અને એમા પણ “Autistic” બાળકોનુ વર્તન હમેશ અમારી સમજની બહાર હોય છે.

એશલી પણ એવી જ એક અતિ અસામાન્ય બાળકી છે. ચાર વર્ષની એશલી એની ઉંમરના પ્રમાણમા લાંબી છે સાથે વજન પણ સરખું છે. એની મરજી વગર એની જગ્યા પરથી તસુભાર ખસેડવી પણ ભારે પડે. એની દુનિયામા મસ્ત. આજ સુધી મે ઘણા “Autistic” બાળકો સાથે કામ કર્યું છે, પણ એશલી જેવી બાળકી હજી જોઈ નથી.

એની બુધ્ધિનો આંક જોઈએ તો  એની ઉંમરના સામાન્ય બાળકો કરતા ક્યાંય વધારે. બધ્ધું નિયમસર થવું જોઈએ. બાળકોને જુદાજુદા રંગના નામ શિખવાડવા અમે પ્લાસ્ટિકની નળાકાર બોટલો રાખી છે, અને જુદી જુદી બોટલોમા લાલ, પીળા, નારંગી, ભુરા લીલા એવા રંગના નાના રમકડા વગેરે ભરી બન્ને બાજુથી એ જ રંગના ઢાંકણાથી બંધ કરેલ છે. એક બાજુના ઢાંકણા પર એ રંગનુ નામ મોટા અક્ષરે લખેલું છે.

એશલીને જ્યારે એ બોટલો આપીએ તો એ બધી બોટલો નામ ઉપર વંચાય એ રીતે રાખે, સાથે સાથે નામનો સ્પેલિંગ એની તરફ રહે એમ એક લાઈનમા ગોઠવી આંગળી મુકી એકેએક નામ વાંચે. આટલી કાળજી તો મે સામાન્ય ચાર વર્ષના બાળકમા પણ નથી જોઈ.

આ વર્ષે અમે બાળકોની ખુરશી પર ઓશિકાના કવરની જેમ કવર ચઢાવ્યા છે અને પાછળની બાજુ મોટા ખિસ્સા જેવુ બનાવ્યુ છે, જેમા એમના લખવાના કાગળ વગેરે રહે અને સાથે એમનુ નામ લખેલું હોય. હવે! દરેક બાળકમા માલિકીપણાની ભાવના તો હોય જ, પણ અમારી એશલીની ખુરશી પર જો કોઈ બેસે તો એનુ આવી બને! જ્યાં જાય ત્યાં ઉચકીને પોતાની ખુરશી સાથે લેતી જાય. જે ટેબલ પાસે એની બેસવાની જગ્યા ત્યાં કોઈથી બેસાય નહિ.

સ્માર્ટબોર્ડ પર બાળકોને જ્યારે કંઈ કામ કરવા બોલાવીએ ત્યારે એશલીનો નંબર આવવા માટે બીજો હોય. જો દર વખતે પહેલા જતું બાળક હાજર ના હોય તો અમારે  બીજા કોઈ બાળકને  પહેલા મોકલી પછી જ એશલીને બોલાવી પડે નહિ તો એ બેન એની જગ્યાએ થી હલે જ નહિ!!

અમારો રોજનો નિયમ કે બાળકોને જમાડી અમે એમને સ્કુલના પાર્કમા લઈ જઈએ. લસરપટ્ટીને બીજા  રમવાના સાધનો હોય. બાળકોને તાજી હવા મળે, થોડો વ્યાયામ થાય અને રમીને થાકે તો કલાક ઉંઘે પણ ખરા!

હવે સતત વરસતા વરસાદમા એમને બહાર તો લઈ જવાય નહિ, પણ જેવા અમે કાફેટેરિઆની બહાર નીકળી બીજા રસ્તે ક્લાસ તરફ જવા વળ્યા કે લગભગ બધા બાળકોએ સમુહમા રાગ રૂદન છેડ્યો, પણ એશલી તો હાથ છોડાવી જમીન પર લાંબી જ થઈ ગઈ. બીજા ક્લાસના બાળકો જમવા જતા હોય, થોડા માબાપ પોતાનો પ્રેમ દર્શાવવા મેક્ડોનાલ્ડનુ તૈયાર બાળકોનુ લંચ લઈ પોતાના બાળકોને જમાડવા આવ્યા હોય એ બધા વચ્ચે એશલીને જમીન પરથી ઊભી કરવી અને બીજા અમારા રડતા બાળકોનુ ધ્યાન બીજે દોરી ક્લાસ તરફ લઈ જવા!!! કલ્પના કરો શું હાલત થઈ હશે?

અમારી દશા તો યુધ્ધના મેદાનમા ઊભેલા અર્જુન જેવી થઈ ગઈ, પોતાના જ સ્વજનો સાથે લડું કે ના લડું???? અમારી વહારે બેચાર શિક્ષકોને પ્રિન્સીપાલ બધા દોડી આવ્યા. અમે એશલીને એમના હવાલે કરી આગળ વધ્યા. અમને જતા જોઈ છેવટે રડતી રડતી અને સ્પેનિશમા કાંઈને કાંઈ બોલતી ડુસકાં ભરતી એશલી અમારી પાછળ ક્લાસમા તો આવી પણ એને રાજી કરવા એને ગમતો “ક્યુરિયસ જ્યોર્જ” એ કાર્ટુનની ડીવીડી તરત ચાલુ કરવી પડી ત્યારે એના ચહેરા પર માંડ માંડ મલકાટ દેખાયો અને બે પાંચ મિનીટ મા તો જ્યોર્જના અટકચાળા સાથે એશલી પણ નાચવા માંડી.

પળમા નારાજી અને પળમા રાજી!!! એ જ તો આ બાળકોની ખુશી છે જે અમને પણ પળમા રાજી થતાં શિખવી દે છે!

શૈલા મુન્શા  તા ૦૩/૦૨/૨૦૧૬

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

2 Responses to એશલી

 1. Daksha Amin says:

  Dear Shaila, Thank you for sharing Ashley’s story. I felt as of it was there.You have great empathy and it reflects in your writing ability. All the best I hope you keep this up for good. Daksha

  Like

 2. Charu and Nitin Vyas says:

  શૈલાબેન,

  તમે તમારું હૃદય નીચોવી લાખોછો, વાત હૈયા સોંસરવી નીકળી જાય, એટલેજ બધા બ્લોગ અને સામયિકો નાં તંત્રીઓના પસંદગી નાં લેખકોમાં ઘણા આગલા સ્થાને છો.

  અભિનંદન,

  -ચારુ અને નીતિન વ્યાસ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s