એલેક્ષ્ઝાન્ડરા (એલી)

પાંચ વર્ષની એલેક્ષ્ઝાન્ડરાને જ્યારે સ્કુલમા એડમિશન મળ્યુ ત્યારે એને regular K.G. (kindergarten) ના ક્લાસમા મુકવામા આવી. એલી એનુ ઘરનુ નામ, અને ભાઈ હું પણ એને એલી જ કહીશ. એલેક્ષ્ઝાન્ડરા કહેતા કહેતા તો સવાર પડી જાય. એલીને તમે જુઓ તો ગોરી ગોરી, રૂપાળી, ગોળ ભરાવદાર ચહેરો અને મીઠડું સ્મિત. માબાપની એકની એક દિકરી. મા મેક્સિકન અને બાપ અમેરિકન.

એલીને રંગ બાપનો અને રૂપ માનુ મળ્યુ છે. સુંદર ચહેરાની સાથે માની માવજત પણ દેખાઈ આવે. યુનિફોર્મ હમેશા સ્વચ્છ, વાળ વ્યવસ્થિત ઓળેલા, હૈરબેન્ડ ને જાતજાતના બક્કલ પણ ખરા.  માબાપ અને દાદીની  ખુબ લાડકી. આવી એલીને જોઈ કોઈ બીજો વિચાર પણ શુ કરે?

પહેલો દિવસ સ્કુલનો અને એલી માટે પણ એ પહેલો જ દિવસ, કારણ સામાન્ય રીતે અમેરિકા મા અને મોટાભાગે બીજા દેશોમા પણ  ચાર વર્ષે બાળકને Pre-K મા દાખલ કરવામા આવે પણ અતિશય લાડના કારણે એલીની મા એ એને સ્કુલમા ના મુકી, પણ પાંચ વર્ષે તો છૂટકો જ નહોતો.

બધા બાળકો પહેલે દિવસે રડે એ સ્વભાવિક, પણ એલી તો રડવા સાથે તોફાને ચઢી.ક્લાસમા જવા જ તૈયાર નહી. શિક્ષક એને સંભાળે કે બાકીના પચીસ છોકરાંને. પ્રિન્સીપાલ આવ્યા, સ્કુલના કાઉન્સિલર આવ્યા અને નક્કી થયું કે એલીને એ દિવસે ઘરે મોકલી એના બધા ટેસ્ટ કરવામા આવે, અને જ્યાં સુધી પરિણામ ના આવે, ત્યાં સુધી એને અમારા સ્પેસિઅલ નીડના ક્લાસમા મુકવામા આવે.

અમેરિકામા બાળકોના ટેસ્ટીંગ ને પેપરવર્કનુ જબરૂં તૂત છે. જાતજાતના ટેસ્ટ થાય અને જાતજાતના લેબલ લાગે. ઘણીવાર તો મને વિચાર આવે કે આ બાળક ખરેખર માનસિક રીતેપછાત છે કે ખોટા લાડનુ પરિણામ છે?

અમારા ક્લાસમા પણ થોડા દિવસ તો એલીનુ રડવાનુ ચાલ્યું, પણ ધીરે ધીરે ક્લાસમા ભળવા માંડી.એક દિવસ એની માને અમે ક્લાસમા સાથે બેસવા દીધી, પણ બીજા દિવસથી એને સમજાવીને કહ્યું કે જો રોજ તમે એલી સાથે ક્લાસમા બેસો તો એલી તમને છોડશે જ નહિ.થોડા દિવસ વહેલા આવીને એને લઈ જાવ પણ ક્લાસમા એની સાથે ના બેસો.

મુળ વાત અમારા ક્લાસમા દશ બાર થી વધુ બાળકો ના હોય અને હમેશા બે શિક્ષક તો ક્લાસમા હોય જ, એટલે આ બાળકોને અમે સંભાળી શકીએ સાથે મોટા પડદા જેવા સ્માર્ટ બોર્ડને કારણે બાળગીતો અને બાળકોને ગમતા કાર્ટૂનો એમને બતાવી શકીએ જે એમને શાંત કરવામા અમને ખુબ મદદરૂપ થાય.

એલીની ખાસિયત કે રેકોર્ડ પર ફરતી પીન જો રેકોર્ડ ખરાબ હોય તો એક જગ્યાએ અટકી જાય એમ એલીની સોય એનુ ધાર્યું ના થાય તો એક જ જગ્યાએ અટકી જાય. એના બૂટની દોરી ખુલી ગઈ હોય તો એકધારૂં my shoes, my shoes કહીને દોરી બંધાવીને જ જંપે. અમને પણ દોરી બાંધી આપવામા કોઈ વાંધો ના હોય, પણ એલી જાણી જોઈને વારંવાર દોરી ખોલી નાખે ત્યારે અમારી ધીરજની કસોટી થાય.

બાળકોને જમાડવા માટે કાફેટેરિઆ મા લઈ જવાના હોય. ઘણા પોતાના ઘરેથી પણ જમવાનુ ટીફીન લાવતા હોય. એલીની મા પણ એને રોજ ટીફીન આપે, પણ બીજા બાળકો કાફેટેરિઆમા જઈ પોતાની થાળી લાવે એટલે એલીને પણ એમની સાથે જઈ થાળી લેવાની જ. પોતાનુ ટીફીન ખોલી જ્યુસ પી લે બાકીનુ ખાવાનુ જે અહીંના બાળકોના તૈયાર લંચ હોય તે ખોલે ખરી પણ ખાય નહિ અને ગાર્બેજના ડબ્બામા નાખી આવે.

બીજી ખાસિયત એલીની કે એ એટલી બધી લાગણીશીલ કે એનાથી કોઈનુ રડવું જોયુ જાય નહિ.એકવાર  અમારો હરણ જેવો ચંચળ મોહસીન કોઈ રમકડુ બીજા બાળક પાસેથી છીનવી લેવા મથતો હતો પણ ફાવ્યો નહિ એટલે ભેંકડો તાણી રડવા માંડ્યો. એલીથી એ સહન ના થયું. તીસ્યુ, તીસ્યુ કરવા માંડી અને એની પણ આંખો છલકાઈ ઊઠી. અમને તો સમજ જ ના પડી કે એલી શુ કહેવા માંગે છે.છેવટે એલી ઊભી થઈને મોહસીન પાસે જઈ પોતાના શર્ટની બાંયથી એની આંખ લુછવા માંડી, ત્યારે અમે સમજ્યા કે એલી તીસ્યુ એટલે કે ટીસ્યુ (નરમ કાગળનો રૂમાલ) માંગતી હતી મોહસીનની આંખ લુછવા.

એલી એની ઉંમરના બાળકો જેટલી જ હોશિયાર છે. આલ્ફાબેટ, એનો ઉચ્ચાર, નંબર, શબ્દો અને નાના વાક્યો વાંચવા બધુ જ એ કરી શકે છે પણ એને Autistic child નુ લેબલ લાગ્યુ છે. અમે તો બધા જ પ્રયત્નો કરીએ છીએ કે આવતા વર્ષે એલી પહેલા ધોરણના ક્લાસમા જાય.

પણ એલી શું ખરેખર Autistic child છે કે પછી માબાપ ને દાદીના વધુ પડતા લાડનુ પરિણામ છે?????

શૈલા મુન્શા.  તા. ૦૨/૧૩/૨૦૧૬

Advertisements
This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

2 Responses to એલેક્ષ્ઝાન્ડરા (એલી)

  1. Mukesh Joshi says:

    Nice one Shailaben!

    Like

  2. Rajesh Patel says:

    Nice story!!!

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s