દિકરી -શૈલા મુન્શા

વહેલી સવારે હોસ્પિટલના નીરવ એકાંતમા સીમા બારી પાસે ઊભી બહાર વરસતા બરફને જોઈ રહી હતી. રાતની આ શાંતિ અને બહાર સ્ટ્રીટ લેમ્પનુ અજવાળું. ખરતા બરફ સાથે સાથે ક્ષણો સરી રહી હતી. છેલ્લા બાર મહિના, એની જિંદગી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. એ દર્દ, એ આઘાત માથી સીમા હજુ બહાર નીકળી. નહોતી. હોસ્પિટલમા  બધા જંપી ગયા હતા, ક્યાંક કોઈ પેશન્ટનો ધીમો કણસવાનો અવાજ શાંતિમા ખલેલ પાડી રહ્યો હતો. નર્સની પાળી બદલવાનો સમય થવા આવ્યો હતો, એટલે ઝડપભેર  પોતાની રોજિંદી કામગીરીને પતાવવા આમતેમ જતી દેખાતી ને સીમા તરફ હળવું હાસ્ય ફરકાવતી જતી.

જાન્યુઆરીનો મહિનો એટલે શિકાગોમા ચારેકોર બરફના ઢગલા જોવા મળે. રસ્તા પરનો બરફ તો સાફ થઈ જાય, પણ સડકના બન્ને કિનારે બરફના ઢગલા જામ્યા હોય. સીમા ડિસેમ્બરના અંત મા શિકાગો આવી. પહેલીવાર ભારતથી અમેરિકા આવી.  બરફ તો ત્યારે પણ ચારેકોર હતો, પણ સીમા સ્તબ્ધ શી સાથે આવેલ ભાઈ જેમ કહે તેમ એરપોર્ટની વિધી પતાવી બહાર આવી ને વિનય ગાડી લઈને લેવા આવ્યો હતો એની સાથે ઘરે પહોંચી. નેહા એની દિકરીને છેલ્લા દિવસો જતા હતા.દસેક દિવસ પછી ની તારીખ ડિલીવરી માટે ડોક્ટરે આપી હતી.

મા દિકરીએ ભેટીને હૈયું ઠાલવી દીધું. નેહાએ બહારથી હિંમત રાખી મમ્મીને ધીરે ધીરે ઘર અનેરસોડાના ઉપકરણોથી પરિચીત કરાવી. ગેસ કેમ વાપરવો, માઈક્રોવેવ, ઓવન મા કઈ વસ્તુ ઝડપથી રંધાય વગેરે.સીમા યંત્રવત કામ કરતી. નેહા એકની એક દિકરી, મમ્મીનો પુરો સહારો બની રહી.

અડધી રાતે નેહાને દુખાવો ઉપડ્યો. ડિલીવરીની તારીખ ઉપર એક બે દિવસ થઈ ગયા હતા એટલે સીમા તૈયાર જ હતી.  નેહાના પતિ અને પોતાના જમાઈ વિનયને પણ ઓફિસમા થી છેલ્લા ચાર દિવસથી રજા લેવડાવી હતી.

સીમા શિકાગોની અજાણી અને ડ્રાઈવીંગ કરવાનો તો સવાલ જ નહિ એટલે પુરતી તૈયારી રાખી હતી. વિનયે તરત ગાડી બહાર કાઢી હજી બરફ પડવાનો શરૂ નહોતો થયો એટલે હોસ્પિટલ પહોંચતા વાર ના લાગી. અમેરિકાના રિવાજ મુજબ બાળકના જન્મ સમયે માતા સાથે પિતા પણ હાજર હોય, એટલે વિનય નેહા સાથે લેબર રૂમમા હતો.

હોસ્પિટલના એ નીરવ એકાંતમા સીમા એ પળને યાદ કરી રહી જ્યારે એ હોસ્પિટલમા  નેહાની જેમ જ બાળકના આગમનની રાહ જોઈ રહી હતી. ડોક્ટરે જ્યારે નેહાને હાથમા મુકતા કહ્યું “લો તમારે ઘેર લક્ષ્મીજી પધાર્યા છે,” ત્યારે એ આનંદવિભોર બની ગઈ હતી. ફુલ સી કોમળ એ નવજાત બાળકીને હાથમા લેતાં એનુ માતૃહ્રદય ગદગદ થઈ ગયું હતુ. રૂમમા લઈ ગયાને જેવો જતીન એની પાસે આવ્યો કે સીધો પહેલા બાળકીના પારણા પાસે પહોંચી ગયો. દિકરીને હાથમા લેતા એની આંખો ખુશીથી છલકાઈ ઊઠી. સીમાને માથે હાથ ફેરવતા એ બોલી ઉઠ્યો, “સીમા આપણી દિકરીને કોઈ કમી નહિ આવવા દઈએ. મારી આંખથી એને ક્યારેય  દુર નહિ થવા દઉં. આ તો મારો રાજા બેટ્ટો છે.”

સીમાની સામે જાણે ફીલમની રીલ રિવાઈન્ડ થતી હોય તેમ એ દિવસો યાદ આવી ગયા. નેહા માટે જતીન કેટલો ચિંતિત રહેતો. અરે! નેહા જ કેમ,  સીમાને પણ બહારથી આવતા મોડું થાય, અંધારૂ થઈ જાય તો મુંબઈ જેવા શહેરમા પણ એ સ્ટેશન પહોંચી જાય. જાણે બધા ગલીના ગુંડા સીમાની જ રાહ જોઈને ઊભા હોય અને એને કાંઈ કરી બેસે! નેહાને તો એકલી ક્યાંય જવાનો સવાલ જ પેદા ના થાય. સ્કુલની પિકનીક હોય કે સ્કુલમા કોઈ પ્રસંગ હોય, જતીન જ લેવા અને મુકવા જાય.

મિત્રો ઘણીવાર મજાક પણ કરે”જતીન આટલી ચિંતા ના કર. દિકરીને થોડી સ્વતંત્ર થવા દે, આ દુનિયાનો સામનો કરવા એને પોતાના નિર્ણયો લેવા દે.” જતીન સમજતો પણ એ પણ પોતાના સ્વભાવથી મુક્ત નહોતો થઈ શકતો. એવું પણ નહોતુ કે જતીન જુનવાણી હતો.

નેહાને એન્જીનિયર બનવુ હતુ તો જતીને પુરો સાથ આપ્યો. નેહા પણ ભણવામા ખુબ હોશિયાર હતી. એન્જીનિયર થયા પછી નેહાને સરસ નોકરી પણ મળી ગઈ. સીમા ને જતીનની ખુશીનો કોઈ પાર નરહ્યો. દિકરીનુ ભણતર લેખે લાગ્યું. એ પોતાના પગભર થઈ ને જતીન ના ચહેરા પર હર કોઈ એ ખુશી એ આત્મસંતોષ જોઈ રહ્યા.

સીમાને એ દિવસ યાદ આવી ગયો જ્યારે નેહાએ ઘરે આવી એને વાત કરી. “મમ્મી મારી ઓફિસ મને અમેરિકા મોકલવા માંગે છે, ખુબ સારી તક છે. મને ઘણુ શીખવા મળશે અને સાથે સાથે હું ભણીને M.S. ની ડીગ્રી પણ મેળવી શકીશ. મારી બહુ ઈચ્છા હતી અમેરિકા ભણવા જવાની, પણ મારે પપ્પાને એટલો ખર્ચ નહોતો કરાવવો. ભગવાને આ તક સામેથી આપી છે, તુ પપ્પાને સમજાવ.”

સીમા જ જાણતી હતી કે જતીનને એણે કેવી રીતે સમજાવ્યો. દિકરીના ભવિષ્ય ખાતર જતીને હા પાડી અને નેહા અમેરિકા આવી ગઈ.બે વર્ષમા માસ્ટરની ડીગ્રી પણ મેળવી અનેઓફિસમા પણ પ્રગતિના સોપાન સર કરતી રહી. ઓફિસમા જ કામ કરતા વિનય સાથે એને સારૂં બનતુ. વિનય એને ગમતો પણ વિનય મરાઠી હતો. નેહાને ખબર હતીકે એની મરજીનો  મમ્મી પપ્પા વિરોધ નહિ કરે. વિનયના માબાપ પુના રહેતા હતા  ખુબ સંસ્કારીને પ્રગતિશીલ કુટુંબ હતુ. નેહા એ વિનયને જ કહ્યું” વિનય તુ મારા મમ્મી પપ્પાને મળ, એમને જો કોઈ વાંધો નહિ હોય તો મારી હા છે.

દિકરી માટે જ્યારે વર શોધવાનો હોય ત્યારે કોઈ બાપને જલ્દી કોઈ છોકરા પર વિશ્વાસ ના આવે. કાંઈને કાંઈ કમી દેખાયા જ કરે, પણ વિનય અને એના માતા પિતાને મળ્યા બાદ જતીનને પુરો ભરોસો થયો કે વિનય નેહાને હમેશ ખુશ રાખશે,

લગ્ન મુંબઈમા જ થયા, નેહા અને વિનય રજા લઈ ખાસ ભારત લગ્ન માટે આવ્યા અને અનેરા કોડ ભર્યા હૈયે જતીન, સીમાએ દિકરી પરણાવી. નેહા પપ્પા પસે વચન લેતી ગઈ કે જલ્દી અમેરિકા ફરવા આવજો. પપ્પા એ પણ લાડકડી દિકરીને કહ્યું “ચોક્કસ આવીશ, જ્યારે તુ મા બનવાના સમાચાર આપીશ. પછી અમારે એ જતો કામ બાકી રહેશે, તારા કરતાં પણ વધુ લાડ તારા અંશને આપવાનુ.”

ગયા વર્ષનો જાન્યુઆરી મહિનો. નેહા વારંવાર ફોન કરી પપ્પાને કહેતી” ક્યારે આવો છો? અરે! અમેરિકા આવવાનો વિસા તો લઈ રાખો! ટીકિટ હું મોકલીશ બસ આ બે મહિના જવા દો ઠંડી ઓછી થાય એટલે આવી જવાનુ” છેવટે ધમકી આવી પપ્પા જો હવે મારી વાત નહિ માનો તો હું તમારી સાથે બોલવાની નથી.

જતીન સીમાને કહે” ચાલ આપણે શ્રીનાથજી દર્શન કરી આવીએ અને આવીને વિસાની અરજી આપી આવીએ” દર્શન કરી ખુશ ખુશાલ હૈયે બસ નેહાની વાત કરતા કરતા કે “ચાલો એકવાર ફરી આવીએ પછી સારા સમાચાર આવશે તો પાછા જઈશું” સીમાને જતીન દાદર સ્ટેશન  ઉતરી ઘરે જવા ટેક્ષી બોલાવવા ગયા ને જતીન જમીન પર ફસડાઈ પડ્યો. બુમાબુમ ને હોહા. સીમાને ક્ષણભર તો સમજ જ ના પડી, લોકોનુ ટોળું નેકોણ કેવી રીતે જતીનને ટેક્ષીમા નાખી હોસ્પિટલ લઈ ગયા એની કોઈ સુધ સીમાને નહોતી. માંડમાંડ ભાઈનો નંબર યાદ આવ્યો.

જોતજોતામા એક પછી એક મિત્રો, સગાં વહાલા પહોંચી ગયા, જતીન કોમામા જતો રહ્યો હતો. નેહાને સમાચાર મળ્યા, વળતી ફ્લાઈટ પકડી નેહાને વિનય મુંબઈ આવ્યા. દશ દિવસ, પંદર દિવસ ડોક્ટરે કહી દીધું”પેશન્ટને ઘરે લઈ જાવ. કશુ થઈ શકે એમ નથી. ફક્ત શ્વાસ ચાલે છે”

નેહાએ મજબુત મન કરી નિર્ણય લીધો અને મામા મામીએ સાથ આપ્યો. જતીનને મામાના ઘરે લઈ ગયા. નેહાને તો પાછુ અમેરિકા આવવું પડે એમ હતું, પણ એ ઘડી થી પપ્પાની સારવારનો બધો ખર્ચ નેહાએ ઉપાડી લીધો. દિવસ રાત માટે માણસ નવડાવવા, યુરીનરી ટ્યુબ,પીઠમા છાલા ના પડે માટે મલમ, ડેટોલ જે કાંઈ ખર્ચો થાય, નેહા પૈસા મોકલતી રહી. સીમાને દિકરી ક્યારે દિકરો બની ગઈ ખબર પણ ના પડી.

એપ્રીલમા નેહાએ મમ્મીને સમાચાર આપ્યા, “પપ્પાને કાનમા કહે કે તમારી નેહા મા બનવાની છે, જલ્દી સાજા થઈ જાવ અને અમેરિકા તમારી લાડકી દિકરી પાસે આવી જાવ.”

દશ મહિના મોત સામે ઝઝુમી જતીને છેલ્લા શ્વાસ લીધા. કેવી વિટંબણા, નેહા પપ્પાના આખરી દર્શને ના આવી શકી. ડોક્ટરે લાંબી મુસાફરીની ના પાડી હતી. હિંમત રાખી બાપની અંતિમયાત્રા  કોમ્પ્યુટર પર જોઈ અને મામાને કહ્યું “મમ્મીને લઈ જેમ બને તેમ જલ્દી મારી પાસે લઈ આવો”

ખભા પર હળવી થપકી પડતા સીમા પોતાની ભાવ સમાધિમા થી બહાર આવી. વિનય નાજુક નાનકડી પરી સી માનસીને હાથમા લઈ ઊભો હતો.  માનસીને હાથમા લેતા સીમા જાણે જતીનને કહી રહી, “તમારી નેહાએ દિકરીને જન્મ આપ્યો છે જે દિકરાથી ય સવાયી નીવડશે.”

શૈલા મુન્શા તા. નવેમ્બર ૧૦, ૨૦૧૫

 

Advertisements
This entry was posted in Short stories. Bookmark the permalink.

2 Responses to દિકરી -શૈલા મુન્શા

 1. પ્રશાંત મુન્શા says:

  દિકરી એટલે માત્ર ઘરમાં જ નહિં,

  હોઠ, હૈયે અને શ્વાસમાં સતત વસેલી વસંત,

  દીકરી એટલે ખીસ્સામાં રાખેલું ચોમાસુ

  દીકરી એટલે ઈશ્વરના આશિર્વાદ નહીં

  દીકરી એટલે ઈશ્વરના મળેલા આશિર્વાદ….!!!!

  પ્રશાંત મુન્શા.

  તા.નવેમ્બર ૨૬,૨૦૧૫

  Like

 2. Jitesh Kothari says:

  Very good story. Very touching made me emotional. In today’s modern world where daughters are still considered as a liability and facing lots of hatred from their own parent, but Jatin and Seema raised their daughter like anyone else would raise their son. Neha being a daughter standby with their parent and took care of them. Hats off to Vinay. Being from other cast, stood by with Neha in her every decision. Wish all parent, daughter, son in law are like Jatin, Seema, Vinay and Neha.

  Thank you to the writer for sharing

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s