કિઆના

કિઆના પાંચ વર્ષની આફ્રિકન છોકરી. ગયા વર્ષના અંતમા અમારા ક્લાસમા આવી. પહેલે દિવસે મા જ્યારે એને લઈને આવી તો એ સ્ટ્રોલર(બાળકોની બાબાગાડી) મા હતી. પહેલો સવાલ અમારો એ હતો કે એને ચાલતા આવડે છે કે નહિ? જવાબમા મા એ એને નીચે ઉતારી અને એક ક્ષણમા એ દડબડાતી દોડવા માંડી. સમન્થા એ સવાલ કર્યો કે એને શા માટે સ્ટ્રોલરમા રાખી છે? તો મા એ જવાબ આપ્યો કે એ થાકી જાય તો? હવે આનો કોઈ જવાબ અમારી પાસે ન હતો. આમા માની ચિંતા કરતા વધુ અમને તો મા મા જ કાંઈ કમી લાગી. પતિ તો જીવનમા હતો જ નહિ પણ બે દિકરીને એક દિકરાની મા પચીસ વર્ષનીઉમ્મરે હતી અને ચોથું આવવાની તૈયારી હતી.

અમેરિકામા હું જે ક્લાસમા ભણાવુ છું તેને PPCD (pre-primary children with disability) કહે છે. બાળકો ત્રણ વર્ષે આ ક્લાસમા દાખલ થઈ શકે પણ કિઆના લગભગ ચાર વર્ષ પુરા થવા આવ્યા ત્યારે આવી. શરૂઆતમા અડધા દિવસ માટે આવતી, તેમા પણ એક દિવસ આવે અને ચાર દિવસ ગેરહાજર. મા ને ફોન કરીએ તો જાતજાતના બહાના ન મોકલવા માટે. પિતાને કદી જોયા નહોતા અને હશે કે નહિ તે ખબર નહોતી. કિઆનાને જોઈને દયા આવે, મનમા ગુસ્સો પણ આવે કે આ બાળકીની શી દશા છે! ફક્ત ખાવા સિવાય કશાની ગતાગમ નહિ. માનસિક પંગુતા હતી પણ આ બાળકો પણ ઘણુ શીખી શકે જો થોડી જહેમત લેવામા આવે. ઘરમા તો જાણે એક પ્રાણી હોય એમ એને આખો દિવસ સ્ટ્રોલર મા બાંધી રાખે. કેમ? તો એ ઝપટ મારી ખાવાનુ ઝુંટવે અને આખો કોળિયો મોઢામા ઠોંસે પછી અંતરસ જાય અને જાણે હમણા જીવ નીકળી જશે એમ આકળ વિકળ થાય. મા ને પોતાની જાત સિવાય કશામા રસ હોય એવું લાગે નહિ. એ વર્ષ તો પુરૂં થયુ અને અમને પણ વિશેષ કાંઈ કરવાનો મોકો મળ્યો નહિ.

ખેર! આ વર્ષે સ્કુલ શરૂ થઈ. શરૂઆતમા થોડા દિવસ કિઆનાની હાજરી જવલ્લે જ રહી. એ જ બહાનુ કે એને શરદી થઈ જાય તો, એ માંદી પડે તો? છેવટે સ્કુલના રજિસ્ટારનો ફોન ગયો કે “કિઆના જો રોજ નહિ આવે તો એનુ નામ સ્કુલમા થી કાઢી નાખવામા આવશે.

દાદી એ કિઆનાનો કબ્જો લીધો તરત જ અમને ફરક દેખાયો. સહુ પ્રથમ દાદીએ એને સ્કુલ બસમા મોકલવા માંડી એટલે એની હાજરી નિયમિત થઈ. ચોખ્ખા કપડા અને સરસ રીતે વાળ ગુંથેલા. કિઆનાનો તો જાણે દેખાવ જ ફરી ગયો.

જમવા માટે અમે બાળકોને કાફેટેરિઆમા લઈ જઈએ. આ વખતે બાળકો વધારે અને નવા આવેલા બધા લગભગ ત્રણ વર્ષના, એટલે અમે એક રબરનુ દોરડું જેમા રબરની રીંગ હોય એ વાપરીએ. દરેક બાળકનો હાથ એમા પરોવી માળાના મણકાની જેમ એક લાઈનમા ચલાવવાનો પ્રયાસ કરીએ. સમન્થા કે હું એક જણ આગળ અને એક પાછળ રહીએ. એ દોરડું અમારા માટે ખુબ કામનુ અને સ્કુલમા પણ બધા નવાઈ પામે કે “વાહ! આ બાળકો કેવા લાઈનમા ચાલે છે.”

જે વાત અમને નવાઈ પમાડી ગઈ તે  તમને કહેવી છે. લગભગ અઠવાડિઆ પછી અમારો કાફેટેરિઆમા જવાનો સમય થવા આવ્યો અને હજી અમે ઊભા થઈ પેલું દોરડું લેવા જઈએ, એ પહેલા કિઆના ઊઠીને ખાનામા રાખેલું દોરડું ખેંચી લાવી.

હું ને સમન્થા જોતા રહી ગયા. દરેક બાળકમા શિખવાના ગુણ હોય જ છે, એ સામાન્ય હોય કે માનસિક રીતે વિકલાંગ. કિઆનાને બીજી કોઈ સમજ હજી પડે કે નહિ પણ એના પેટે અને મગજે સિગ્નલ આપી દીધું કે જમવાનો સમય થઈ ગયો છે!

શું લાગે છે તમને? કિઆના વધુ પ્રગતિ કરશેને? સાથે જો ઘરમા થી પણ પ્રોત્સાહન મળે તો?

 

શૈલા મુન્શા.  તા ૧૦/૨૮/૨૦૧૫

This entry was posted in Daily incidents.. Bookmark the permalink.

2 Responses to કિઆના

  1. SARYU PARIKH says:

    Good observation. Fortunate to be close to children. Saryu

    Like

  2. chaman says:

    દાદીએ કબજો લીધો છે એનું પરિણામ જણાયું છે એટલે તમારી દેખરેખ નીચે આ બાળક તમને સહુંને ચોકાવશે!

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.