આવી વસંત

૧૯૩૦ની સાલ અને ભારતભરમા આઝાદી નો જુવાળ. ગાંધીજી ની દાંડીકુચ ની હાકલ. ઘરે ઘરથી લોકો દાંડીકુચમા જોડાવા નીકળી પડ્યા હતા. રમણભાઈ પણ એમાના એક હતા. શાંતાબેનની પણ ઘણી ઈચ્છા હોવા છતા એ જોડાઈ ના શક્યા કારણ એમને છેલ્લા દિવસો જતા હતા. રમણભાઈએ બરડા પર અંગ્રેજોની લાઠીના માર પણ ઝીલ્યા અને જેલની હવા પણ ખાધી. જ્યારે ઘરે આવ્યા ત્યારે આંગણામા ચાર મહિનાનો રૂપાળો રમતિયાળ દિકરો હીંચકે ઝુલતો હતો. દેશભક્તિની ભાવનાવાળા રમણભાઈએ દિકરાનુ નામ પાડ્યું સુદેશ.
બા બાપુજી, દાદા દાદી અને કાકા કાકીના સંયુક્ત પરિવારમા લાડ પ્યારમા સુદેશ મોટો થયો.એકબાજુ એ કોલેજના પહેલા વર્ષમા આવ્યો અને ભારત અંગ્રેજોની ગુલામીથી મુક્ત થયું. અમદાવાદમા રમણભાઈની નાનકડી ડાય કેમિકલની ફેક્ટરી હતી એમા મદદરૂપ થવાય એ આશયે સુદેશ કોલેજમા સાયન્સ વિષય લઈ આગળ વધ્યો. ભણવામા પહેલેથી જ ખુબ હોશિયાર હોવાથી ચાર વર્ષમા તો B.Sc with Chemistry ની પદવી લઈ બાપુજી સાથે ધંધામા જોડાઈ ગયો.
સુદેશની હોશિયારી અને આવડતને લીધે ફેક્ટરીનો સારો વિકાસ થવા માંડ્યો અને ડાય કેમિકલમા નવા નવા ક્ષેત્રે આગવી પ્રતિભાના જોરે અમદાવાદ બહાર ગુજરાતના બીજા શહેરોમા ધંધાનો વિકાસ થવા માંડ્યો.
કુટુંબની પ્રતિષ્ઠા, સુદેશની આવડત એની રીતભાત અને મળતાવડાપણા ને લીધે નાતમાથી લગ્ન માટે સારી સારી દિકરીઓના માગા આવવા માંડ્યા. એ જમાનામા હજુ પ્રેમ લગ્નો એટલા પ્રચલિત નહોતા. લગ્ન એ ફક્ત બે વ્યક્તિ નહી પણ બે કુટુંબ વચ્ચે બંધાતો નાતો હતો, એટલે માબાપે પસંદ કરેલી બે ત્રણ કન્યામા થી ઉમા પર સુદેશની પસંદગી ઉતરી. ઉમા દેખાવડી તો હતી જ, પણ એથી ય વિશેષ ખુબ સમજુ અને વડિલોની માન મર્યાદા જાળવનારી હતી. ધામધુમથી લગ્ન લેવાયા અને રૂમઝુમ પગલે ઉમા નો ગૃહપ્રવેશ થયો.
માથે આશીર્વાદનો હાથ મુકતા રમણભાઈ અને સોડમા ઉમાને લેતા શાંતાબેન બોલી ઉઠ્યા, ” ઉમા આજ તુ આપણા ઘરે વહુ નહી પણ અમારી દિકરી બનીને જ આવી છે. વર્ષોથી દિકરી ની ખેવના હતી એ આજ પ્રભુએ પુરી કરી. અમારે મન જેવો સુદેશ તેવી જ તુ. આ ઘર તારૂ છે અને તને અહીં કોઈ વાતની ઉણપ કે ઓછપ નહી આવવા દઈએ.”
ઉમા ધીરે ધીરે નવા ઘર નવા વાતાવરણમા ગોઠવાતી ગઈ. વર્ષો વિતતા ગયા અને સુદેશ ઉમા પ્રેમ મા મગન જીવન માણતા રહ્યા. લગ્ન ની પાંચમી વર્ષગાંઠ ખુબ ધામધુમથી ઉજવાઈ. મોટા હોલમા રમણભાઈએ દિકરા વહુ માટે પાર્ટી રાખી હતી અને સહુ સગાંવહાલા, મિત્ર મંડલને ને ભાવભીનુ આમંત્રણ મોકલ્યું હતું.
રાતે પાર્ટી પતાવી ગાડીમા સહુ પાછા ફરી રહ્યા હતા અને કાકી સાસુએ મમરો મુક્યો, “ઉમા હવે આગળ શું વિચાર છે? ક્યારે અમને પોતરા પોતરી નુ મોં જોવા મળશે?તમારા બા બાપુજી, અમારા બધાની ઉમર વધતી જાય છે, હવે તો ઘરમા પારણુ બંધાય એની રાહ જોઈએ છીએ.”
શાંતાબેને ત્યારે તો વાત વાળી લીધી કે સમય આવે સહુ થઈ રહેશે, પણ મનમા તો એ પણ ઈચ્છી રહ્યા હતા કે ક્યારે સારા સમાચાર સાંભળવા મળે. બીજા બે વર્ષ વીતી ગયા અને શાંતાબેને સુદેશને બોલાવી ઉમાને સારા ડોક્ટર પાસે લઈ જવાનુ કહ્યું.
ડોક્ટરોના મત પ્રમાણે બન્ને જણમા કોઈ ખામી કે ઉણપ નહોતી ધીરજ અને રાહ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો.
દશ વર્ષ થયા અને કુટુંબી જનો મા અને ખાસ કરીને ઘરના ઘરડાં ફોઈ નો ઉતપાત અને ચણભણાટ શાંતાબા ને પરેશાન કરવા માંડ્યો. પહેલા તો ભુવા જતિની અને બાધા આખડીની વાત કરવા માંડ્યા. જ્યારે રમણભાઈએ કડક શ્બ્દોમા એ વહેમ અંધવિશ્વાસ ને માનવાની ના પાડી ત્યારે ફોઈ પાસે બીજો વિકલ્પ હતો, સુદેશના બીજા લગ્ન કરાવવાનો.
ફોઈ અને બીજાં કહેવાતા સગાઓની રોજની કટકટથી થાકી છેવટે શાંતાબેને પહેલી અને છેલ્લીવાર સહુની બોલતી બંધ કરી દીધી. ” ખબરદાર કોઈએ સુદેશના બીજા લગ્નની વાત કરી છે તો, ઉમા મારી દિકરી છે અને નસીબમા જે લખ્યું હશે તે થશે પણ કોઈએ મારી દિકરીને મહેણા ટોણા મારવાની જરૂર નથી.” રમણભાઈએ પણ એમા પોતાનો સુર પુરાવ્યો ત્યારે ફોઈ મોં મચકોડતા બોલ્યા ” હું તો વંશ આગળ વધે માટે આટલા કાલાવાલાં કરતી હતી, બાકી તમે જાણો અને તમારી વહુ.”
દિવસો પસાર થતા રહ્યાં ઉમા ધર્મ ધ્યાન મા વધુ ડુબતી ગઈ અને સુદેશ ધંધો વિસ્તારવામા. ફક્ત ભારતમા જ નહિ પણ વિદેશ મા જેવા કે મેક્સિકો, બ્રાઝીલ વગેરે દેશોમા એમનો માલ જવા માંડ્યો.
જોત જોતામા અઢાર વર્ષો પસાર થઈ ગયા. શ્રાવણ મહિનો ચાલતો હતો અને હમેશની જેમ ઉમા એ એક વાર ફરાળ કરી આખો મહિનો ઉપવાસ કરવાનુ ચાલુ કર્યું.પાંચ છ દિવસ ગયા અને સવારે ઉઠતા ઉમાને સહેજ ચક્કર જેવું લાગ્યુ. ખાસ ધ્યાન આપ્યા વગર ઉમા કામે વળગી. બીજા દિવસે પણ એજ હાલત અને વધારામા ઉલટી જેવું લાગ્યું. ઉબકા આવે પણ વિશેષ કાંઈ નહિ. ઉમા ને લાગ્યું ફરાળ ખાવાને લીધે વાયુ પ્રકોપ થયો હશે. શાંતાબેન પણ બે દિવસ થી જોઈ રહ્યા હતા કે ઉમા થાકી જતી લાગે છે.
દિવસના પણ એકાદ બે વાર જરા ચક્કર જેવું લાગ્યું એટલે ઉમા એ સુદેશને વાત કરી અને સુદેશ બધા કામ પડતાં મુકી ઉમાને ડોક્ટર પાસે લઈ ગયો. સુદેશને મનમા ડર હતો કે ઉમાને કોઈ બિમારી તો નહોતી લાગુ પડી?
ડોક્ટર ઉમાને તપાસી બહાર આવ્યા, ચહેરો હસુ હસુ થતો હતો. પાછળ શરમાતી ઉમા બહાર આવી. સુદેશ ને ચિંતીત જોઈ ડોક્ટર બોલ્યા, ચિંતાની તો વાત છે જ. ઉમાને સારા દિવસો જાય છે પણ આટલી ઉમ્મરે ગર્ભાવસ્થા હોય તો ધ્યાન ખુબ રાખવું પડશે. ક્ષણભર તો સુદેશ ડોક્ટરનુ બોલવું સમજ્યો જ નહી, પણ બીજી જ ક્ષણે ડોક્ટરના હાથ પકડી ગળગળો થઈ ગયો. આંખોમા ખુશીના આંસુ ધસી આવ્યા, ડોક્ટરની હાજરી વિસરી ઉમાને ભેટી પડ્યો. બે ક્ષણ બન્ને પતિ પત્નિ અવાક શા શું બોલવું ને શું કરવું એ જ જાણે સમજી ના શક્યા. કળ વળતા ડોક્ટરનો ખુબ ખુબ આભાર માની જરૂરી સુચના મેળવી અને ઉમાની કાળજી માટે શું કરવું એની વિગત મેળવી, જરૂરી વિટામીનનુ પ્રીસ્ક્રીપ્શન લઈ ઘરે આવ્યા.
ઘરે પહોંચતા વેંત સુદેશ શાંતાબા ના ખોળામા માથુ મુકી હીબકાંભેર રડી પડ્યો. આંખમાથી ચોધાર આંસુ સરતા હતા અને ચહેરો હસતો હતો. ઉમાનો ચહેરો શરમથી લાલ થઈ ગયો હતો. જ્યારે ખુશીના સમાચાર જાણ્યા કે તરત જ શાંતાબેને હુકમ બહાર પાડી દીધો ઘરના આપણા ચાર સિવાય અને ઉમાના માબાપ સિવાય કોઈને પણ આ સમાચાર જણાવાના નથી. બહાર તો બધાને એમ જ જણાવવાનુ કે ઉમાને કમરનો દુખાવો છે અને ડોક્ટરે(complete bed rest) પુરે પુરો આરામ કરવાનો કહ્યો છે. સાતમે મહિને ડોક્ટરે કોઈ ખતરો નથી નો રિપોર્ટ આપ્યો ત્યારે ઘરમેળે ખોળો ભરી ઉમા સુખરૂપ બાળકને જન્મ આપે એ જ પ્રાર્થના કરી. નવ મહિના ઉમાની દેખભાળ સગી મા થી વિશેષ કરી.
આજે રામનવમી નો તહેવાર હતો. ઋતુ પણ બદલાવા માંડી હતી. ચારે તરફ વાસંતી વાયરા અને ફુલોની ખુશ્બુ હવામા તાજગી ને તરવરાટ ફેલાવી રહી હતી.
ઉમા અને સુદેશ ના જીવનમા પણ આજે અઢાર વર્ષે વસંત આવી હતી. રામ ના લવ કુશની જેમ ઉમા એ પણ બે તંદુરસ્ત જોડિયા દિકરાઓ ને જન્મ આપ્યો હતો.
(સત્ય ઘટના પર આધારિત)

શૈલા મુન્શા. તા ૦૩/૨૯/૨૦૧૫

Advertisements
This entry was posted in Short stories. Bookmark the permalink.

2 Responses to આવી વસંત

  1. Very very touchy,happy story…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s