સગવડિયો ધરમ

પ્રિયા ને જ્યારે ખબર પડી કે એ મા બનવાની છે ત્યારે એના આનંદ નો પાર ન રહ્યો. બહાર દિવસ પણ ખુબ સોહામણો હતો. આવો સરસ તડકો અને સૂરજ જોવા બોસ્ટનમા ભાગ્યે જ મળતો. અમેરિકા ના આ ભાગમા ઉનાળા મા પણ તડકો અને સૂર્યદેવતા નુ દર્શન એ તહેવાર બની જતો. પ્રિયા નો જન્મ અને ભણતર બધુ અમેરિકામા. મા બાપ વર્ષો પહેલા ભારત થી આવીને શિકાગો વસ્યા અને પોતાનો સંસાર અહીં વસાવ્યો. નાનકડી પ્રિયા ને જોઈતું બધુ મળી જતું. મા બાપની એકની એક દિકરી, દેખાવે સુંદર બાર્બી ડોલ જેવી લાગે. વાંકડિયા વાળ અને ગાલમા પડતું ખંજન, બધાને પરાણે રમાડવાનુ મન થાય.
પ્રિયા જેમ જેમ મોટી થતી ગઈ તેમ એના સ્વભાવમા સ્વાતંત્ર્ય વધતુ ગયું. મા બાપ પણ ખુબ રાજી, “વાહ અમારી દિકરી કોઈપણ અમેરિકન છોકરી ને ટકકર મારે એવી છે” કોલેજ મા એડમિશન લેવાની વાત આવી ત્યારે પ્રિયા એ જે ત્રણેક કોલેજ પસંદ કરી હતી તેમાથી બોસ્ટન યુનિવર્સિટી મા એડમિશન મળી ગયું.મા બાપને દિકરી ને દુર મોકલતા જરા તકલીફ થઈ પણ આટલા વર્ષના વિદેશ વસવાટ બાદ ખાસ વાંધો ન આવ્યો.
પ્રિયા શરૂમા તો દરેક વેકેશન મા ઘરે આવતી, ધીરે ધીરે રજામા નોકરી અને પોતાની આવક વગેરે પ્રવૃતિમા ઘરથી થોડી દુર થતી ગઈ. બીઝનેસ મા માસ્ટર ડીગ્રી મેળવી અને સરસ છ આંકડાનો પગાર ધરાવતી નોકરી પણ તરત મળી ગઈ. પ્રિયા ને મરજી મુજબ જીવવાનો પરવાનો મળી ગયો. સરસ અપાર્ટમેન્ટ ભાડે લઈ લીધું અને સાંજ પડે ઘરમા કંપની મળે માટે એક નાનુ ગલુડિયું પાળ્યું.નામ પાડ્યું ટોની. ઓફિસ અને ટોની, જીંદગી ની રફતાર ચાલતી રહી.
ઓફિસમા કામ કરતો જેકબ એની માંજરી આંખો ને લીધે ભલભલી યુવતિઓ ને સહેલાઈથી પોતાની માયાજાળમા લપેટી શકતો. બધાને મદદ કરવા હમેશ તત્પર. બધાને જેકબ ખુબ ગમતો, પણ જેકબને પ્રિયા મા રસ પડવા માંડ્યો.
ધીરે ધીરે પ્રિયાને જેકબની મિત્રતા વધવા માંડી.
લગ્ન પહેલાના શારીરિક સંબંધમા બન્ને માથી કોઈને પણ છોછ નહોતો. જેકબ તો પરણેલો પણ હતો, પણ પોતે આઈરીન થી છુટાછેડા લઈ લેશે એવું કહ્યા કરતો. જોકે પ્રિયા પોતે જ હમણા લગ્ન કરવા નહોતી માંગતી. બન્ને જણ મિત્ર તરીકે સાથે રહેતા. બન્ને સ્વતંત્ર. બધો ખર્ચો બન્ને જણ વહેંચી લે. એક વસ્તુની પ્રિયા ને ચીઢ હતી. આઈરીન એને દીઠી ગમતી નહિ. ભલે પોતે જેકબ ની પત્નિ નહોતી પણ એક સ્ત્રી સહજ ઈર્ષા કે કેમ પણ આઈરીન ને એ પોતાના અપાર્ટમેન્ટ મા આવવા ના દેતી. જેકબ આઈરીન ના ઘરે જાય કે બહાર મળે એમા કાંઈ વાંધો નહોતો.
પ્રિયા એ દિકરા ને જન્મ આપ્યો. જેકબ અને પ્રિયા ખુશ હતા.ખાસ કશી તકલીફ વગર દિવસો પસાર થતા.દિકરા નુ નામ ઓમ પાડ્યું. બધાને બોલતા ફાવે. ઓમ છ મહિના નો થયો અને પ્રિયા ને એની ખાસ મિત્ર મેઘા ના લગ્નમા એટલાન્ટા જવાનુ થયું. જેકબ બધાને મળે અને ઓમ ને સાચવવા મા મદદરૂપ થાય એમ વિચારી પ્રિયા એ જેકબને પણ સાથે આવવા કહ્યું.
પ્રિયા ના મા બાપ પણ લગ્નમા આવવાના હતા. ખરેખર તો મેઘા ના પિતા અને પ્રિયાના પિતા કોલેજ કાળના ખાસ મિત્રો હતા અને તેથી જ પ્રિયા અને મેઘા નાનપણ થી સાથે મોટા થયા હતા.પ્રિયા એ ખાસો અઠવાડિયાનો કાર્યક્રમ ઘડ્યો હતો.લગ્ન અને સાથે બે ત્રણ દિવસ મા બાપ સાથે પણ રહેવાય.
પ્રિયા બે દિવસ વહેલી ઓમ અને જેકબ સાથે એટલાન્ટા પહોચી ગઈ હતી. મેઘા સાથે રહેવાય માટે.
મેઘા પ્રિયા અને ખાસ તો નાનકડા ઓમ ને જોઈ ખુબ ખુશ થઈ ગઈ. બન્ને સહેલી વાતો એ વળગી. “પ્રિયા ઓફિસ કેમ ચાલે છે? ઓફિસ અને ઓમ સાથે કામ ઘણુ વધી ગયું હશે? જેકબ મદદ કરે છે કે નહી?” પ્રિયા પણ મેઘાને એના પતિ અને ઘરના માણસો વિશે વાત કરતી રહી.
અચાનક મેઘા ને યાદ આવ્યું, “પ્રિયા તુ અઠવાડિયા માટે નીકળી છે તો પછી ટોની ની સંભાળ કોણ રાખશે? શું એને કુતરા ઘરમા મુક્યો છે?” પ્રિયા નો જવાબ સાંભળી મેઘા ના મમ્મી અને દાદી( જે ખાસ ભારત થી લગ્ન માટે આવ્યા હતા) એમના મોઢા નવાઈ અને આઘાત થી અધ ખુલ્લા રહી ગયા.
પ્રિયા ” ના રે ના મેઘા, તને ખબર છે કુતરા ને સાચવવાના ડે કેર તો બાળકો ને સાચવવાના ડે કેર કરતાં પણ મોંઘા હોય છે. જેકબ ની પત્નિ આઈરીન ટોની ને સાચવવા તૈયાર હતી અને ઓછા પૈસા મા કામ પતતું હોય તો મને આઈરીન અઠવાડિયું મારા ઘરમા રહે એનો કોઈ વાંધો નથી”

શૈલા મુન્શા. તા. ૦૫/૨૯/૨૦૧૪

This entry was posted in Short stories. Bookmark the permalink.

One Response to સગવડિયો ધરમ

  1. રાજેશ પટેલ says:

    સંબંધ કરતા પૈસાનું મુલ્ય વધારે હોય, ત્યાં આવી બાબતોની નવી ન જ હોય.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s