મનોમંથન

નેહા નયન માટે ઘરેથી મેથીની ભાજીનુ થેપલું અને દહીં લઈ આવી હતી. આજે નયન ને થેપલું ખાવાની ઈચ્છા થઈ હતી.
બે દિવસ પહેલાં નયન ને ફરી હોસ્પટલ માં દાખલ કરવો પડ્યો. દારુ પીવાની લત કેમે કરી છુટતી નહોતી. વર્ષો ની લતે શરીર ખોખલું કરી નાખ્યું હતું. દારૂ સાથે સિગરેટ પણ સંકળાયેલી હતી.
કહેવાય છે ને કે “आमदनी अठ्ठनी खर्चा रूपैया” આમ જ ચાલતું રહે તો ઘર, અને ઘરની વ્યક્તિઓની શી હાલત થાય? એવું નહોતું કે નયન ને સમજ નહોતી પડતી, પણ સ્વભાવ બદલવો મુશ્કેલ હતો. બાળકો મોટા થતાં ગયા તેમ તેમ પપ્પાની આદતો વિશે માહિતગાર થતા ગયાં. સ્વભાવની તુમાખી નયન ને ઠરીને ક્યાંય નોકરી કરવા ના દેતી. એને હમેશ એમ જ લાગતું કે એજ સાચો છે અને બીજાને તો કાંઈ ખબર નથી પડતી.
હોસ્પિટલમા બેઠા બેઠા નેહા પોતાના ભુતકાળને વાગોળી રહી. કેટલા અરમાન ને મીઠા મધુરા સપના મનમાં ઉછેર્યા હતા. પોતાનુ ઘર અને પોતાનો સંસાર.
અમેરિકા વસતાં માસી બે ચાર વર્ષે જ્યારે પણ આવતાં અને આવી ને જેવી એમની બેગ ખોલતાં એક મહેક રૂમમાં ફેલાઈ જતી. નાનકડી નેહા અચંબિત આંખે એમના કપડાં, મેકપ નો સામાન, નહાવાનો સાબુ શેમ્પુ બસ જોયા જ કરતી. પોતાના માટે લાવેલા કપડાં ને ઢીંગલી એ રૂવાબભેર આસપાસની બહેનપણીઓને બતાવતી અને તોરમા ને તોરમાં કહેતી ” જો જો ને, એક દિવસ હું પણ અમેરિકા જઈશ” માસી ને જોઈ એને પણ નાનપણથી અમેરિકાની લગની લાગી હતી.
પરણવાની ઉંમર થઈ, મા બાપે મુરતિયા જોવાના શરૂ કર્યા એવામાં નયન પણ અમેરિકાથી છોકરી જોવા મુંબઈ આવ્યો હતો. નેહાના માસી ને નયન એક જ શહેરમાં રહેતા હતા એટલે સ્વભાવિક માસી એ પોતાના બેનની દિકરી ને જોવાની પણ ભલામણ કરી હતી.
નેહા ને નયન મળ્યા. ટુંકી વાતચીત અને માસીની ભલામણ ને કારણે વાત પાકી થઈ ગઈ ને ઘડિયાં લગન લેવાયા. નયન તો લગનના આઠમા દિવસે પાછો અમેરિકા આવી ગયો ને લગભગ ત્રણેક મહિના માં બધા કાગળિયાં ને પાસપોર્ટ વગેરે આવી જતાં નેહાએ પણ અમેરિકાની ફ્લાઈટ પકડી.
વિમાન ની મુસાફરી ના એ કલાકો નેહાએ કંઈ કેટલીય કલ્પનાઓ થી ભરી દીધા. વાસ્તવિકતા નો સામનો હ્યુસ્ટન એરપોર્ટ ઉતરતાં જ થઈ ગયો. ફક્ત માસી જ એમની મોટી વેન લઈને લેવા આવ્યાં હતા. નયન ને અગત્યની મીટિંગ હતી એટલે એ આવી શક્યો નહિ. માસી માટે એ સહજ બાબત હતી પણ નેહાની આશા પર પાણી ફરી વળ્યું.
થોડા વખતમાં નેહા અમેરિકન જીંદગી થી ટેવાઈ ગઈ. વોલમાર્ટમા જોબ શરૂ કર્યો. ભારત ની B.A. ની ડીગ્રી ની અહીં કોઈ ગણના નહિ. સારી નોકરી માટે અહીંનો અભ્યાસ જરૂરી, પણ નેહાને એ કરવાનો મોકો કે પ્રોત્સાહન કાંઇ પણ નયન તરફથી ના મળ્યું.
નયન આ સ્વભાવને લીધે એ કોઇ નોકરી માં લાંબુ ટકતો નહિ અને બધો ગુસ્સો નેહા પર ઉતારતો. એક દિકરો ને એક દિકરી નો પરિવારમાં ઉમેરો થવાથી નેહા પર જવાબદારી વધી ગઈ. કરકસર કરી એણે બાળકો મોટા કર્યાં.
નેહાને મદદ કરવાને બદલે નોકરી ન મળવા માટે પણ એ નેહાનો વાંક કાઢવા માંડ્યો. ઘરમાં બેઠા દારૂ પીવાનુ પ્રમાણ વધતું ચાલ્યું. ઘરની રસોઈને બદલે હોટેલના ચસ્કા વધવા માંડ્યા.ઘરમાં ખાવા પીવાથી માંડી ટીવી પણ નેહાએ નયન ની મરજી પ્રમાણે જ ચાલુ કરવાનો. નેહાની વોલમાર્ટની નોકરી નયન ને હિણપત ભરેલી લાગતી. નેહા રવિવારે કામપર જાય તો કેટલું સંભળાવતો.
નેહાને એક જ આશ્વાસન હતું કે બાળકો સમજુ નીકળ્યા ને સારૂં ભણી સારો જીવનસાથી પણ શોધ્યો. બન્ને પોતપોતાના સંસારમાં સુખી હતા. દિકરો તો મા ને ઘણીવાર કહેતો “શા માટે તું આ બધું સહન કરે છે? પપ્પાથી છૂટાછેડા લઈ તું સ્વતંત્ર થા.”
નેહાના મનમાં પણ ઘણા વખતથી આ વિચાર ઘોળાતો હતો. મનથી એને નયન માટે કોઈ લાગણી રહી ન હતી. પોતે પગભર હતી. શા માટે આ અપમાન ને અવહેલના સહન કરવી. જેને માટે કોઈ લાગણી નથી એ વ્યક્તિ સાથે એક ઘરમાં રહેવાનો શો અર્થ?
નેહા વકીલને મળી છુટાછેડા ના પેપર તૈયાર કરાવી રહી હતી ને નયન નો ફોન આવ્યો.
માંડ માંડ મોઢામા થી શબ્દો નીકળ્યા. “નેહા મને સાઉથ વેસ્ટ મેમોરિયલ હોસ્પિટલ માં લઈ જઈ રહ્યા છે”
વર્ષોની દારૂની લતે લીવર નકામુ કરી નાખ્યું હતું. થોડા વખત પહેલા પણ ઓચિંતો ઘરમા પડી ગયો ને પગનુ હાડકું ભાંગ્યુ હતુ ને હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું, તોય અક્ક્લ આવી નહોતી કે મારો સ્વભાવ નહિ બદલું તો કોણ મારી દેખભાળ કરશે?
અત્યારે બેઠા બેઠા બે દિવસ પહેલાનો નયન નો ફોન મા ધ્રુજતો અવાજ યાદ આવી ગયો. બાથરૂમ જતાં લથડિયું આવી ગયું ને મોંભેર પછડાયો. ૯૧૧ ને ફોન કરી એણે મદદ માંગી ને બીજો ફોન નેહાને કર્યો. મારતી એમ્બ્યુલન્સે નયનને હોસ્પિટલમા દાખલ કર્યો. શરીર માં કાંઈ રહ્યું નહોતું હાડકાનો માળો હોય એવો લાગતો હતો. નેહા થેપલું ને દહીં ઘરે થી લાવી હતી. માંડ અડધું થેપલું ખાધુ ને આંખ ઘેરાઈ ગઈ એટલે નેહા ઉઠીને બહાર આવી.
મનોમન વિચારી રહી. શું કરૂં? આવી હાલતમાં છોડીને પણ ક્યાં જઉં? લાગણી ભલે ના રહી પણ માનવતા હજી મરી પરવારી નથી મનથી સંબંધ ભલે ન રહ્યો ને ભરમ ભલે ક્યારનોય ભાંગી ગયો પણ લોક જો પારકાં ને પોતીંકા કરે તો નયન હજી મારો પતિ છે ને માણસાઈ ખાતર પણ હું એનો સાથ હમણા તો નહિ જ છોડું.
આ મનોમંથન શું એકલી નેહા નુ જ છે? કંઇ કેટલીય વ્યકતિઓ ભલે મનમેળ કે તનમેળ ના હોય તોય જીવન નિભાવી જાણે છે.

શૈલા મુન્શા. તા ૧૦/૧૮/૨૦૧૧

This entry was posted in Short stories. Bookmark the permalink.

4 Responses to મનોમંથન

  1. Shrikant Desai says:

    Beautiful.

    Like

  2. pravina says:

    It is a facts of life for lots of families.

    Like

  3. Vibhuti Shastri says:

    Bhabhi khuba saras. Tamane jani ne anand thashe ke tamaarI j story me 10Th na English paper ma puchi hati.

    Like

  4. Pingback: attarkyari | પરમ સમીપે

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.