૨૦૧૪-૧૫ નવુ વર્ષ

રજા નો અંત અને શાળાકિય નવા વર્ષની શરૂઆત. પહેલો દિવસ, થોડા જુના થોડા નવા બાળકો નુ આગમન.
એવું લાગ્યું કે બાળકો કરતાં મા બાપ સ્કુલ ખુલવાની વધુ આતુરતાથી રાહ જોતા હશે. અમારા પ્રીન્સીપાલે ચેતવણી આપી જ હતી કે પહેલે દિવસે તમારા સમય કરતા અડધો કલાક વહેલા આવવાની કોશિશ કરજો, નહિ તો તમને જ તમારી ગાડી પાર્ક કરવાની જગ્યા નહિ મળે. એવું જ બન્યુ. હું તો મારી ટેવ પ્રમાણે સમય કરતા ઘણી વહેલી પહોંચી ગઈ હતી પણ નવા શિક્ષક બિચારા પોતાના સમયે આવ્યા અને પછી રઘવાયા બની બિલ્ડીંગ ની આસપાસ ચકરાવો લેતા રહ્યા “મને મોડું થઈ રહ્યું છે અને ક્યાંય પાર્કીંગ નથી મળતુ, ઓહ ગોડ! પહેલે દિવસે જ મોડો પડીશ” એમની હાલત પર હસવું કે સહાનુભુતિ દાખવવી એ સવાલ હતો.
ખેર આતો સામાન્ય વાત થઈ, પણ મારા બાળકો જે ગયા વર્ષે સ્કુલ મા હતા એ તો આવતાંની સાથે વળગી પડ્યા. એ.જે. હવે બાજુના લાઈફસ્કીલ ના ક્લાસમા ગયો પણ જરા ગુંચવાઈ ગયો. “મીસ મુન્શા મને ક્યાં લઈ જાય છે” અમારી મોનિકા ખાસી ગોળમટોળ થઈ ગઈ હતી. રજા દરમ્યાન પિતા અને દાદીના રાજ મા ફક્ત ખાવા અને આરામ સિવાય કશું કર્યું નહોતુ એ દેખાઈ આવ્યું. ડુલસે વધુ ડાહી અને ઠાવકી લાગતી હતી. એને પુછ્યું કે ડેનિયલ ક્યાં તો કહે”ઊંઘે છે” અને સાચે જ ડેનિયલ આવ્યો નહોતો.
આ વર્ષે થોડા નવા બાળકો આવ્યા છે. સાહિરા, સીટિયાના, બ્રેનડન, જોની,અને સાવ નાનકડો ગ્રેગરી. આ બધા બાળકો ના અનુભવો પીરસતી રહીશ. હર એક ની જુદી કહાની છે, કોઈ આંખ ભીંજવે તો કોઈ રમુજ પમાડે.
પહેલો દિવસ થોડો રઘવાયો થોડો ગુંચવાયેલો અને ઘણો બધો આનંદજનક પણ રહ્યો. સાહિરા અમને ડુલસે ની યાદ અપાવે એવી જમાદાર છે. સીટિયાના ઘરે વધુ પડતા લાડમા ઉછરી રહી છે તે દેખાઈ આવે અને બ્રેનડન(બીજો) આવતાની સાથે ભેંકડો તાણી રડવા માંડ્યો પણ જેવી મમ્મી ગઈ કે પાંચ મીનિટ મા કોમ્પ્યુટર પર કાર્ટૂન જોવા બેસી ગયો.
દર વર્ષે આવતા નવા બાળકો અચૂક મને મારા બાળકોના બચપણ ની યાદ કરાવે. એમનો સ્કુલ નો પહેલો દિવસ. શ્વેતા મને સ્કુલે જતા જોઈ હમેશ મારી નકલ કરતી અને શિક્ષક બનવાની એક્ટીંગ કરતી. એ પહેલે દિવસે રડી હોય એવું મને યાદ નથી. અલબત્ત મારી આંખમા પાણી જરૂર હતા, અને સમીત નર્સરી મા પહેલે દિવસે ગયો અંદર ત્યારે તો મને છોડતાં રડ્યો નહિ, કદાચ ઘણા રમકડાં અને સરસ મજાનો ક્લાસ અને ઘણા બાળકો જોઈ નવાઈ પામ્યો હશે.મારા પગ બારી પાસેથી ખસતાં નહોતા અને આંસુ રોકાતા નહોતા ત્યાં બધાને બહાર નીકળવાનો આદેશ થયો. હું જોતી હતી કે સમીત તો રમવામા મશગુલ થઈ ગયો છે. મન ને થોડી નિંરાત થઈ, પણ જ્યારે બાર વાગે લેવા ગઈ ત્યારે એનો ચહેરો આંસુથી છલકાઈ ગયો હતો. મને જોતા જે રીતે એ વળગ્યો કે જાણે ક્યારેય નહિ છોડે. મે ટીચર ને પુછ્યું કે શું થયું? તો જવાબ મળ્યો કે બસ એક બાળકની મમ્મી જરા વહેલી આવી અને એને જતા જોઈ સમીત અને બીજા ઘણા બાળકો નુ રડવાનુ ચાલુ થઈ ગયું.
આજે પણ આ મારા બાળકો ને જોઈ મને એ દિવસો હમેશ યાદ આવી જાય છે.
બાળક અને મા દુનિયા ના દરેક ખુણે સરખાં જ હોય છે, પણ જ્યારે કોઈ જુદો અનુભવ થાય છે તો મન કલ્પી નથી શકતું.
વધુ આવતા અંકે.

શૈલા મુન્શા. તા. ૦૮/૨૬/૨૦૧૪

Posted in Daily incidents. | 5 Comments

હાઈકુ

૧- આપ્યા વરસો,
ભરી ઝોળી સહુની
નિજ ની ખાલી.

૨- આપી તે પાંખ
ઊડવાને ગગન,
મૂળ તો ઊંડા.

૩- મા ની પાંપણે
નીતરે વરસાદ,
આશિષ રૂપે.

૪-ગુરૂ વંદના
જગાડે આશ દિલે,
વિદ્યા તો ફળી.

૫- ઝુરતી ગોપી
ગોકુળ ને મારગ,
ક્યાં છે કહાન?

૬- મિચાઈ આંખો,
જીંદગી આખી પ્રશ્ન!
મોત પછી શું?

Posted in Uncategorized | 4 Comments

હાઈકુ

૧-માઝમ રાત,
મોકલવા સંદેશ
સેલ ફોન થી.

૨-દિલની વાત
કહેવાય ના કદી,
કમાડ બંધ.

૩-ખીલી જો કળી,
બહાર જીંદગીમા
ઓરતા પુરા.

૪-ચાતક ઝંખે
બુંદ એક પાણીનુ,
ધીખતી ધરા.

૫-જોઈ દોડતી
ખીસકોલી બાગમા,
હસતું બાળ.

૬-કહેવાય ના
અને સહેવાય ના,
કોઈ તો પુછે!

૭-એક મકાન
બની જાય છે ઘર,
સંગ તમારે.

૮-આવી શરમ!
બેઆબરૂ યુવતી,
કાન તો બંધ!

શૈલા મુન્શા તા ૦૭/૨૬/૨૦૧૪

Posted in Haiku | 2 Comments

હાઈકુ

૧- અવહેલના
તારી હસી મા ઢાંક,
નજર કર

૨-સૂરજ સામે
ઊડાડી ધૂળ ભલે,
ઊજાશ સદા

૩- મન ઉદાસ
કરે પ્રતિક્ષા તારી
આવીશ કદી

૪-હસું, હસાવું
ભીતર ભરી ગમ,
ન રડું કદી

૫- ચાંદની રાત
અમરત શી લાગે,
તારલા સંગ

૬- શમણા મહીં
જોઈ નાર નવેલી
યૌવન જાગે

૭-કોઈ કહે ના
મુંઝવણ મન ની,
સમજી તો જો

૮- મધ દરિયે
વહાણ તો ડુબે
સુકાન વિના

શૈલા મુન્શા તા ૦૬/૨૫/૨૦૧૪

Posted in Uncategorized | 4 Comments

એક અહેસાસ

સવારે દસ વાગે મારા ફોન ની ઘંટડી રણકી. નંબર જોયો તો ફોન ભારત થી હતો. આમ તો અહીં હ્યુસ્ટનમા સ્કુલમા ઉનાળાની રજા પડી ગઈ છે. ૨૦૧૩-૨૦૧૪ નુ વર્ષ પુરૂં થયુ, પણ અમેરિકાની શૈક્ષણિક પધ્ધતિ પ્રમાણે નબળા વિધ્યાર્થી માટે એક મહિનો સ્કુલ હોય જ્યાં એમને પાસ થઈ આગલા ધોરણ મા જવા માટે એક તક આપવામા આવે.
હું મંદ બુધ્ધિના બાળકો સાથે કામ કરૂં છું એટલે એમને માટે પણ સમર સ્કુલ હોય જેથી જેટલું શીખ્યા હોય તે ભુલી ના જાય એટલે હું પણ સ્કુલ મા જ હતી. સામાન્ય રીતે શાળામા હું ફોન ઉપાડતી નથી. મારે જેને કરવો હોય તેને મારા જમવાના સમયે કરી લઉં, અપવાદ રૂપે જો ફોન મારા બાળકો કે પતિનો હોય તો વાત કરી લઉં અથવા ભરત નો નંબર હોય તો વાત કરૂ.
નંબર ભારત નો હતો પણ અજાણ્યો.ફોનમા હલ્લો કહ્યુ ને સામેથી પ્રશ્ન પુછાયો “હલ્લો, આપ શૈલાબેન બોલો છો? હું આપની વિધ્યાર્થીની વિભા બોલુ છું, બેન નામથી કદાચ તમે મને નહિ ઓળખો પણ ૧૯૮૫-૧૯૮૬ ની સાલના દસમા ધોરણ ના ક્લાસમા તમે અમારા શિક્ષીકા હતા.” ક્ષણભર હું અચંબિત થઈ ગઈ.હું હજી હા પાડું ત્યાં તો વાત આગળ વધી. “બેન અમે એ બેચના બધા વિધ્યાર્થી મળી આ વર્ષે ગુરૂપુર્ણિમા ઉજવવા માંગીએ છીએ. ૧૩મી જુલાઈ એ ગુરૂપુર્ણિમા છે. અમને ખબર છે તમે અમેરિકા છો, પણ બેન તમે તમારા આશિષ ની વિડિયો કે તમારા બે બોલ, ત્યાં તો એના હાથમાથી ફોન દેવેને લઈ લીધો.બે ત્રણ જણા વાત કરવા તત્પર હોય એવું લાગ્યું. બેન તમે જરૂર તમારા આશિર્વાદ અમને મોકલજો, અમે તો બને તો તમને વિડિયો કોન્ફરન્સ દ્વારા સાંકળી રૂબરૂ જોવાનો પ્રયત્ન પણ કરવાના છીએ.” મારી ખુશી ને મારા આશ્ચર્ય નો પાર નહોતો. નજર સમક્ષ એ બાળકોની આછી ઝાંખી થઈ રહી હતી
વીસ વર્ષ ભારત ની શાળામા શિક્ષીકા તરીકે ભણાવ્યું હતું. હજારો બાળકો હાથ નીચેથી પસાર થઈ ચુક્યા હતા અને આજે અચાનક કોઈ ફોન કરી કહી રહ્યું હતુ, “શૈલાબેન ઘણા શિક્ષકો પાસે ભણ્યા પણ તમને અને વશી સરને અમે બહુ યાદ કરીએ છીએ.”
લગભગ ત્રીસ વર્ષ બાદ કોઈ વિધ્યાર્થી ફોન કરે, તમને, તમે આપેલ જ્ઞાન ને યાદ કરે એનાથી વિઃશેષ કયો સરપાવ તમને જોઈએ. હર્ષ થી મારા રૂંવાડા ઉભા થઈ ગયા.
“તમને મારો ફોન નંબર ક્યાંથી મળ્યો” જવાબ મળ્યો “બેન ભણાવતા ત્યારે એક વાત તમે હમેશ કહેતા કે મન હોય તો માળવે જવાય, તો બસ મન હતું કે ક્યાંકથી શૈલાબેન ની ખબર મળે અને વિનુભાઈ સર ની તબિયત સારી ન હોવાથી એમની ખબર કાઢવા ગયા હતા ત્યાં એમના દિકરા રાજેશભાઈ મળ્યા અને ગુરૂપુર્ણિમા ની ઉજવણી ની વાત સાંભળી બોલ્યા, શૈલાબેન અમેરિકા છે પણ એમનો ફોન નંબર મારી પાસે છે”
બસ નંબર મેળવી તમને ફોન લગાડ્યો અને જુઓ તમારી સાથે વાત કરીએ છિએ.
જીંદગી આખી બાળકોને ભણાવવામા ગઈ છે. ભારત હતી ત્યારે મોટા બાળકો અને અહીં અમેરિકામા નાના મંદ બુધ્ધિના બાળકો. જ્યારે પણ આવો પ્રેમ મળે છે, જીવ્યું સાર્થક લાગે છે.
ફોનમા સાંભળેલો અવાજ એમા છલકતો અહોભાવ, એનો અહેસાસ તો એક શિક્ષક બની બાળકો ની દુનિયામ ડોકિયું કરો તો જ આવે.
આજે એ આનંદ, એ અનુભૂતિ ના અહેસાસથી સભર સભર છું.

શૈલા મુન્શા તા.૦૬/૨૪/૨૦૧૪

Posted in Daily incidents. | 8 Comments

હોત ના!

આંસુની ખેવના આમતો હોત ના,
દીલનો કાબુ જો હું સદા ખોત ના.

કોઇ વરસી ગયાં કોઈ વિખરાઈ ગયા,
જે ભીતર કંઈ રહ્યાં પાંપણે, રોત ના.

આમ તો રાખી હિમત ઘણી મનમહીં,
જો દુઃખો ની એ વર્ષા કદી જોત ના.

કાળ ની થાપટો થી બચે ના કોઈ,
ક્યાં બને એવું, આવે કદી મોત ના.

જીવવાની કળા બસ શીખી જો લે સૌ,
મુખવટો હાસ્ય નો, ગમને તું ગોત ના.

આંસુ ની ખેવના આમતો હોત ના,
દિલનો કાબુ જો હું સદા ખોત ના.

શૈલા મુન્શા. તા. ૦૬/ ૧૯/૨૦૧૪

Posted in gazal | 4 Comments

વેલેન્ટીનો

આજે સવારે બસમા વેલેન્ટીનો ને જોઈ મારા આનંદ નો પાર ન રહ્યો. સાથે એક જાતના દુઃખ ની લાગણી પણ મનમા ઘુમરાતી રહી.
મારા રોજીંદા પ્રસંગો મા આગળ પણ મે એના વિશે વાત કરી છે. અમેરિકા મા હું માનસિક અને શારીરિક અપંગતા વાળા બાળકો સાથે કામ કરૂં છુ. જેમની ઉમર ત્રણ થી પાંચ વર્ષની હોય. અહીં આ ક્લાસને P.P.C.D. (pre-primary children with dis- ability) કહે છે. અહીં આવતું દરેક બાળક માનસિક રીતે પછાત હોય એ જરૂરી નથી, પણ ઘણાની વાચા પુરી ખુલી ન હોય એવા ત્રણ વર્ષના બાળકને આ ક્લાસમા ઘણી સગવડ મળતી હોય છે. આગળ જતા આ બાળકો regular pre-k મા જઈ શકે.
વેલેન્ટીનો જ્યારે આવ્યો ત્યારે એને જોતા જ કોઈને પણ એના પર વહાલ આવી જાય એવો મજાનો લાગતો હતો.સોનેરી વાંકડિયા વાળ અને ગોરો ગોરો.ત્વચા એટલી કોમળ કે જરા જોરથી હાથ પકડીયે તો આંગળાની છાપ એના હાથ પર દેખાઈ આવે. આવ્યો ત્યારે વધુ પડતા લાડને કારણે રડીને બધુ મનાવવાની આદત હતી. થોડા દિવસ તો ચાલ્યું પણ પછી સ્કુલના નિયમો નુ પાલન કરતા શીખ્યો. ચપળ અને હોશિયાર એટલો કે ઝડપથી બધુ શિખવા માંડ્યો. વેલેન્ટીનો અને મિકેલ લગભગ સાથે જ મારા ક્લાસમા આવ્યા હતા. જેવા બન્ને ચાર વર્ષના થયા અમે એમને અડધો દિવસ regular pre-k ના ક્લાસમા મોકલવા માટે માબાપની અનુમતિ માંગી. સામાન્ય રીતે એ વસ્તુ માબાપ માટે ઘણા આનંદની હોય કે એમનુ બાળક સામાન્ય બાળક સાથે એમના ક્લાસમા જતુ થાય. મિકેલ ના માબાપ તો ખુબ રાજી થયા અને તરત અનુમતિ આપી, પણ વેલેન્ટીનો ની મા તૈયાર ના થઈ. વેલેન્ટીનો ને એ મોટા ક્લાસમા મોકલવા નહોતી માંગતી. ગયા વર્ષે એ લોકો બીજે રહેવા ગયા એટલે વેલેન્ટીનો બીજી સ્કુલમા ગયો.
અત્યારે સમર સ્કુલ ના લિસ્ટ મા એનુ નામ જોઈ નવાઈ લાગી. મારી ધારણા હતી કે હવે તો જરૂર વેલેન્ટીનો regulara pre-k ક્લાસમા હશે, પણ આજે જ્યારે એને એ જ ક્લાસમા જોયો અને આખો દિવસ એની સાથે રહ્યા પછી મારી સમજ મા એ ન આવ્યુ કે આ બાળક શા માટે માનસિક પછાત બાળકોના ક્લાસ મા હજી પણ છે? પુરી રીતે નોર્મલ બાળક ને શા માટે વિકસવાની તક નથી મળતી? મારી ટીચરે મને સમજાવ્યું “મીસ મુન્શા અમેરિકા મા બાળક જો માનસિક પછાત, કે Autistic ની શ્રેણીમા આવે તો સરકાર તરફ થી મોટી રકમ નો ચેક દર મહિને એમની દેખરેખ માટે મળે, માટે વેલેન્ટીનો જ નહિ ઘણા બાળકો નોર્મલ હોય પણ વર્તણુક તોફાની હોય કે જીદ્દી સ્વભાવ હોય તો એને કોઈ લેબલ લગાડી સરકાર પાસે પૈસા પડાવવાના આ બધા બહાના છે.”
માબાપ ના આ માનસિક પછાતપણા નુ શું કરવુ?

શૈલા મુન્શા. તા ૦૬/૦૫/૨૦૧૪

Posted in Daily incidents. | 5 Comments